Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

EDએ સોનિયા ગાંધીને નવેસરથી સમન્‍સ પાઠવ્‍યા : ૨૩ જૂને હાજર થવા ફરમાન

નેશનલ હેરાલ્‍ડ કેસ

નવી દિલ્‍હી,તા.૧૧: એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ કોંગ્રેસ અધ્‍યક્ષ સોનિયા ગાંધીને નવેસરથી સમન્‍સ જારી કર્યું છે, જેમાં તેમને નેશનલ હેરાલ્‍ડ અખબાર સાથે સંબંધિત મની લોન્‍ડરિંગ કેસમાં ૨૩ જૂને પૂછપરછ માટે હાજર થવા જણાવ્‍યું છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી. સોનિયા ગાંધીને અગાઉ ૮મી જૂને હાજર થવા માટે કહેવામાં આવ્‍યું હતું, પરંતુ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે તેમણે હાજર રહેવા માટે ED પાસે નવી તારીખ માંગી હતી.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ગાંધીને દિલ્‍હીમાં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ સમક્ષ હાજર થવા માટે ૨૩ જૂનની તારીખ આપવામાં આવી છે, જયાં પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ હેઠળ તેમનું નિવેદન નોંધવામાં આવશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની આ જ કેસમાં ૧૩ જૂને પૂછપરછ કરવામાં આવે તેવી શક્‍યતા છે. આ કેસ કોંગ્રેસ સંચાલિત નેશનલ હેરાલ્‍ડ અખબારની માલિક યંગ ઈન્‍ડિયન કંપનીમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ સાથે સંબંધિત છે.

કોંગ્રેસે આ સમગ્ર મામલે જવાબી કાર્યવાહીનો આરોપ લગાવ્‍યો છે. તેમનું કહેવું છે કે દેશને ગેરમાર્ગે દોરવા માટે આ કાયરતાપૂર્ણ ષડયંત્ર રચવામાં આવ્‍યું છે. પાર્ટીના મુખ્‍ય પ્રવક્‍તા રણદીપ સુરજેવાલાએ તાજેતરમાં કહ્યું હતું કે કોંગ્રેસ અને તેનું નેતૃત્‍વ ડરવાની અને ઝૂકવાની નથી.

(11:30 am IST)