Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રૂા. ૧,૪૦૫ કરોડનું રાજકોટ ગ્રીનફિલ્‍ડ એરપોર્ટ ૨૦૨૩ સુધીમાં કાર્યરત થશે

એરપોર્ટ પર એક સમયે ૧૨ એરક્રાફટ પાર્ક કરવા માટે પૂરતી જગ્‍યા હશે : ૨,૫૩૪ એકરમાં ફેલાયેલુ, એરપોર્ટ પીક અવર્સના ૧,૮૦૦ મુસાફરોને હેન્‍ડલ કરી શકશે

નવી દિલ્‍હી,તા. ૧૧: રાજકોટમાં વધતા જતા હવાઈ ટ્રાફિકને પહોંચી વળવા માટે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા દ્વારા સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેરમાં એક નવું ગ્રીનફિલ્‍ડ એરપોર્ટ બનાવવામાં આવશે. આ એરપોર્ટનું નિર્માણ રૂ. ૧,૪૦૫ કરોડના ખર્ચે કરવામાં આવશે અને તે પીક અવર્સ દરમિયાન ૧,૮૦૦ મુસાફરોને હેન્‍ડલ કરવામાં સક્ષમ હશે. એરપોર્ટ માર્ચ ૨૦૨૩ સુધીમાં ઓપરેશન માટે તૈયાર થઈ જશે.

૨,૫૩૪ એકરમાં ફેલાયેલા નવા ગ્રીનફિલ્‍ડ એરપોર્ટનું આયોજન આધુનિક સુવિધાઓ અને પ્રવાસીઓ માટે કાઉન્‍ટરોની સંખ્‍યા અને અન્‍ય જરૂરી સુવિધાઓ સાથે કરવામાં આવ્‍યું છે. નવા એરપોર્ટનું સ્‍થાન રાજકોટ શહેરથી અંદાજે ૩૦ કિમી દૂર અને રાજકોટ-અમદાવાદ હાઈવે પર છે. બેઝમેન્‍ટ સિવાય એરપોર્ટનો કુલ બિલ્‍ટ-અપ એરિયા ૨૩,૦૦૦ ચોરસ મીટર હશે.

આ ટર્મિનલ અત્‍યાધુનિક પેસેન્‍જર સુવિધાઓ, ચાર પેસેન્‍જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્‍વેયર બેલ્‍ટ અને ૨૦ ચેક-ઈન કાઉન્‍ટર્સ સાથે આધુનિક ફાયર ફાઈટિંગ અને ફાયર એલાર્મ સિસ્‍ટમથી સજ્જ હશે. એરપોર્ટ પર લેન્‍ડસ્‍કેપિંગની સાથે કાર, ટેક્‍સી અને બસ માટે પર્યાપ્ત પાર્કિંગની સુવિધા હશે. AB-321 પ્રકારના એરક્રાફટને સેવા આપવા માટે રનવેની લંબાઈ ૩,૦૪૦ મીટરનું આયોજન કરવામાં આવ્‍યું છે. એરપોર્ટ પર એક સમયે ૧૪ એરક્રાફટ પાર્ક કરવા માટે પૂરતી જગ્‍યા હશે.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર સ્‍થિત હોવાથી, આ એરપોર્ટ પ્રદેશમાં બહુવિધ ઉદ્યોગો માટે લોજિસ્‍ટિક્‍સ સંબંધિત સમય અને ખર્ચમાં ઘટાડો કરશે. ખાસ વાત એ છે કે મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના અન્‍ય ઉદ્યોગો પણ એર કનેક્‍ટિવિટી માટે રાજકોટ પર નિર્ભર છે.

(11:31 am IST)