Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આ વર્ષે ખેલૈયાઓ રમઝટ બોલાવશે ! નવરાત્રી પહેલા જ ટ્રેડિશનલ કપડાની વધી ડિમાન્‍ડ

૧૦ હજાર કરોડનું રહેશે માર્કેટ : વ્‍યવસાયકારોના આવ્‍યા અચ્‍છે દિન!

નવી દિલ્‍હી,તા. ૧૧ : છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને પગલે નવરાત્રી પર નિર્ભર ઉત્‍પાદકો-વેપારીઓ પર ઉપાધિના વાદળો ઘેરાયાહતા. પરંતુ આ વર્ષે કોરોનાના ગ્રહણ વગર નવરાત્રી ધામધૂમથી ઉજવાય તેવા સંજોગો વર્તાઇ રહ્યા છે. જેની જલક ૨ વર્ષ પછી ફરી નવરાત્રીના તહેવાર પર નિર્ભર ટ્રે઼ડિશનલ કપડાંના વ્‍યવસાયમાં જોવા મળી રહી છે. ટ્રે઼ડિશનલ કપડાંના ઉત્‍પાદનનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ઉત્‍પાદકોને પણ સારી કમાણીની સોનેરી આશા બંધાઈ છે.

કોરોના મહામારીના કારણે ગુજરાતીઓનો મનપસંદ તહેવાર નવરાત્રીની ઉજવણી પર ગ્રહણ લાગ્‍યું હતું. બે વર્ષથી ધામધૂમથી ઉજવણી કરાઈ ન હતી.આ કારણે નવરાત્રી પર નિર્ભર એવા ટ્રેડિશનલ કપડાના વ્‍યવસાય કારોના પણ કપરા દિવસો આવ્‍યા હતા. પરંતુ બે વર્ષ બાદ ફરી એકવાર ટ્રેડિશનલ કપડાના વ્‍યવસાય સાથે જોડાયેલા લોકોના અચ્‍છે દિન આવ્‍યા છે.કારણ કે, ચાલુ વર્ષે નવરાત્રીને હજુ ૪ મહિના જેટલો સમય બાકી છે, તેવામાં ન માત્ર ગુજરાત પરંતુ અન્‍ય રાજયો અને વિદેશમાં પણ અત્‍યારથી જ ટ્રેડિશનલ કપડાં પહોંચવા લાગ્‍યાં છે. આ વ્‍યવસાયમાં હાલ તેજી એટલી આવી છે કે, ઉત્‍પાદકો પાસે સમય ઓછો અને માગ વધુ છે.

કોરોના બાદ આ વર્ષે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થવાની છે. અને આ કારણે જ અત્‍યારથી જ નવરાત્રી માટે ટ્રેડિશનલ કપડાંની ભારે માગ જોવા મળી રહી છે. ગુજરાતની સાથે સાથે અન્‍ય રાજયો અને વિદેશમાં ટ્રેડિશનલ કપડાંની માગ જોવા મળી રહી છે. જેના કારણે કારીગરોએ ઓવરટાઈમ કરવાની ફરજ પડી રહી છે. દૈનિક ૧૦૦થી ૧૫૦ જેટલા નંગ કપડાં તૈયાર થઈ રહ્યા છે. વ્‍યવસાય કારોને આશા છે કે, નવરાત્રિ અને રક્ષાબંધનના તહેવારમાં ગુજરાતમાં અંદાજે ૧૦ હજાર કરોડનું માર્કેટ રહેશે.

મહત્‍વનું છે કે, આ વર્ષે કેનેડા, ઓસ્‍ટ્રેલિયા, US, UK, સિંગાપોર, દુબઈ, સાઉથ આફ્રિકા જેવા દેશોમાં પણ નવરાત્રી માટે ટ્રેડિશનલ કપડા મોકલવામાં આવી રહ્યા છે.અને અન્‍ય રાજયોમાં પણ ટ્રેડિશનલ કપડાની માગ વધી છે.જેનો સીધો ફાયદો આ વ્‍યવસાય સાથે સીધી રીતે કે, આડકતરી રીતે જોડાયેલા ૪ લાખ લોકોને થશે.

(11:33 am IST)