Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મહિલા ડેપ્‍યુટી કલેકટરની છેડતીઃ સામનો કરતાં ચાકુથી હુમલો

સાંગલીમાં મોર્નીંગ વોકમાં નિકળેલ

મુંબઇ,તા.૧૧: સાંગલીમાં વહેલીસવારે જોગીંગ માટે નિકળેલા મહારાષ્ટ્ર સરકારના એક ઉચ્‍ચાધિકારી એવા મહિલા ડેપ્‍યુટી કલેકટર પર બે જણે ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલા અધિકારીને નજીવી ઇજા થઇ હતી. મહિલા અધિકારીએ હિંમત દાખવી બન્નેનો સામનો કરતા બન્ને ભાગી છૂટયા હતા.

આ ઘટના બાદ પોલીસે બન્ને અજાણ્‍યા આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહિલા અધિકારીએ આ બન્નેની છેડતીનો પ્રતિકાર કરતા તેમણે આ હુમલો કર્યો હતો.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર ડેપ્‍યુટી કલેકટર હર્ષલતા ગેડામ ે દરરોજ સવારે જોગીંગ માટે અહીંના વિશ્રામબાગ પાસે આવેલ મેદાનમાં જાય છે, રાબેતા મુજબᅠ તેઓ સવારે જોગીંગ માટે મેદાનમાં આવ્‍યા ત્‍યારે બાઇક પર આવેલ બે અજાણ્‍યા શખ્‍સએ તેમનો હાથ પકડી તેમની છેડતી કરી અને અશ્‍લીલ ટિપ્‍પણી કરી હતી. માર્શલ આર્ટની ટ્રેનિંગ ધરાવતાં ગેડામે તેમણે એક જણને લાત મારી નીચે પાડી દીધો હતો. આ દરમ્‍યાન બીજા શખ્‍સે ચાકુ કાઢી ગેડામ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ગેડામના હાથ પર નજીવી ઇજા થઇ હતી. ત્‍યાર બાદ પણ ગેડામે તેમનો પ્રતિકાર શરૂ જ રાખતા બન્ને આરોપી ઘટનાસ્‍થળેથી રફુચક્કર થઇ ગયા હતા.

આ બન્નેમાંથી એક આરોપીએ ગયા મહિને પણ ગેડામની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તે સમયે તેમણે ઉપેક્ષા કરી હતી. આજે તે વ્‍યક્‍તિ પાછી સવારે આવી હતી અને છેડતી કરી હુમલો કર્યો હતો.

(4:09 pm IST)