Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રાષ્ટ્રપતિપદને લઈને શરદ પવાર સોનિયા ગાંધીને મળશે

વિપક્ષ તરફથી એક સંયુક્ત ઉમેદવાર ઉતારવાના સંકેત : શરદ પવાર અને કોંગ્રેસ ચીફની વચ્ચે થનારી બેઠકમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવારના નામ પર ચર્ચા થશે

મુંબઈ, તા.૧૧ : રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષ તરફથી એક સંયુક્ત ઉમેદવાર ઉતારવાના સમાચાર સામે આવ્યા છે. જોકે આ મુદ્દે કોઈ ઔપચારિક નિવેદન સામે આવ્યુ નથી. રાષ્ટ્રપતિ પદની રેસમાં કેટલાય નામોની ચર્ચા છે. આ તમામની વચ્ચે એનસીપી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર તેમજ સોનિયા ગાંધીની દિલ્હીમાં થનારી મુલાકાત પર તમામની નજર ટકેલી છે. બંને નેતાઓની બેઠકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારના નામની ચર્ચા થશે. એવામાં જો બધુ જ બરાબર રહ્યુ તો નામ પણ ફાઈનલ કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી પરિણામો પર શરદ પવાર જ્યારે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા તો તેમને રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો. પવારે કહ્યુ કે હજુ સુધી સોનિયા ગાંધી સાથે મારી કોઈ વાતચીત થઈ નથી. હુ કાલે દિલ્હી જઈ રહ્યો છુ. ત્યારે આ મુદ્દે વાતચીત થશે. તેમણે કહ્યુ કે મારુ માનવુ છેકે આપણે સૌ બેસીને આ વિષય પર ચર્ચા કરીશુ. પવાર અને કોંગ્રેસ ચીફની વચ્ચે થનારી બેઠકમાં વિપક્ષના સંયુક્ત ઉમેદવારના નામ પર ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હશે તેના ઘણા દાવેદાર છે. નીતીશ કુમાર, શરદ પવાર, તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ ઉમેદવાર હોઈ શકે છે. જોકે નીતીશ કુમારનુ નામ સૌથી આગળ છે. બીજેપી તરફથી કોણ ઉમેદવાર હશે તેને લઈને પણ ઘણી અટકળો છે. આ વખતે ભાજપ કોઈ આદિવાસી ચહેરાને રાષ્ટ્રપતિ માટે પોતાના ઉમેદવાર બનાવે તેવી સંભાવના છે અથવા તો કોઈ મહિલાને તક આપી શકે છે.

(7:51 pm IST)