Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જિતેન્દ્ર નારાયણ ડી કંપનીના ટાર્ગેટ પર, મારવાની ધમકી

ધર્મપરિવર્તન કરનારા વકફના ચેરમેનની મુશ્કેલી વધી : ધમકી ડી કંપનીના ઈકબાલ કાસકરના ભાઈ દ્વારા અપાઈ, ધમકી આપનારા સાથેની ચેટનો સ્ક્રીન શોટ પણ બતાવ્યો

લખનૌ, તા.૧૧ : ધર્મ પરિવર્તન કર્યા બાદ જિતેન્દ્ર નારાયણ ત્યાગી બનેલા ઉત્તર પ્રદેશના શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન હવે 'ડી કંપની'ના ટાર્ગેટ પર આવી ગયા છે. જિતેન્દ્ર ત્યાગીએ તેમને જાનથી મારવાની ધમકી મળી રહી હોવાનો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, આ ધમકી 'ડી કંપની'ના ઈકબાલ કાસકરના ભાઈ દ્વારા આપવામાં આવી છે. જિતેન્દ્ર ત્યાગીના જણાવ્યા પ્રમાણે, ઈકબાલ કાસકરના ભાઈએ તેમને વારંવાર વ્હોટ્સએપ પર કોલ કર્યો હતો. ઈકબાલ કાસકરના ભાઈએ વ્હોટ્સએપ ઉપર મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તેમણે ધમકી આપનારા સાથેની ચેટનો સ્ક્રીન શોટ પણ બતાવ્યો હતો અને કહ્યું હતું કે, ૩ દિવસની અંદર તેમની હત્યા કરવાની ધમકી આપવામાં આવી છે. જિતેન્દ્ર ત્યાગીએ દાવો કર્યો છે કે, કાલે એટલે કે ૧૦ જૂનના રોજ મોડી રાત્રે આશરે ૧૧.૩૦ વાગ્યે તેમના ફોન ઉપર કેટલાક કોલ આવ્યા હતા. વ્હોટ્સએપ ઉપર કેટલાક કોલ આવ્યા એટલે તેમણે કોલ રિસીવ કર્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ પોતાની જાતને ઈકબાલ કાસકરનો ભાઈ ગણાવ્યો હતો અને જાનથી મારવાની ધમકી આપી હતી. જિતેન્દ્ર ત્યાગીના કહેવા અનુસાર ફોન કરનારે ૩ દિવસમાં મારી નાખવાની ધમકી આપી છે. 

જિતેન્દ્ર ત્યાગીએ આ પ્રકારની ધમકી મળ્યા બાદ સીએમ યોગીને પત્ર લખીને સુરક્ષા માગી છે અને ધમકીના કેસને ગંભીરતાથી લઈને ધમકી આપનારા સામે આકરી કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે. ધમકી આપનારે જે નંબર ઉપરથી વ્હોટ્સએપ કોલ કર્યો હતો તે દુબઈનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

 

(7:51 pm IST)