Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મહારાષ્ટ્રમાં એક કૂવામાંથી અનોખો પથ્થર મળી આવ્યો

સફાઈ કામ દરમિયાન આ અનોખો પથ્થર મળ્યો : પથ્થર આશરે ૩૦થી ૩૫ કિગ્રા વજન ધરાવે છે, પથ્થર જોવા લોકોની ભીડ જામી : શિવલિંગ હોવાનો દાવો

વાશિમ, તા.૧૧ : જ્ઞાનવાપી મસ્જિદમાંથી કથિત શિવલિંગની પ્રાપ્તિ મામલે સમગ્ર દેશમાં વાદ-વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં આવેલા કરંજા શહેરના કૂવામાંથી પણ એક અનોખો પથ્થર મળી આવ્યો છે. મંદિરના પુજારી દ્વારા તે પથ્થર શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરમાં કૂવામાંથી શિવલિંગ મળ્યું હોવાના સમાચાર ફેલાતાં તેને જોવા માટે લોકોની ભારે ભીડ જામી રહી છે.

હકીકતે ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરના તિલક ચોક ખાતે આવેલા એક કૂવાનું સફાઈકામ હાથ ધરવામાં આવ્યું હતું. કૂવામાંથી કીચડ વગેરે બહાર કાઢતી વખતે તેમાંથી એક મોટો અને અલગ પ્રકારનો પથ્થર પણ મળી આવ્યો હતો. કૂવામાંથી મળી આવેલો પથ્થર આશરે ૩૦થી ૩૫ કિગ્રા વજન ધરાવે છે.

કૂવામાંથી અનોખો પથ્થર મળી આવ્યો ત્યાર બાદ પરિસરના લોકોએ શહેરમાં આવેલા જગત જનની મા ભવાની મંદિરના પુજારીને ત્યાં બોલાવ્યા હતા. પુજારીના કહેવા પ્રમાણે તે પથ્થરનો આકાર શિવલિંગ જેવો છે અને તે નર્મદેશ્વર શિવલિંગ હોય તેવી શક્યતા છે. તે આશરે ૨૦૦ વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે, શિવલિંગ મળી આવ્યું તે ૬૦ ફૂટથી પણ વધારે ઉંડો કૂવો ૧૦૦થી પણ વધારે વર્ષ પુરાણો છે.

કૂવામાંથી મળેલા અનોખા પથ્થરને પાણીથી સાફ કરીને પાસે રહેલા ઝાડ નીચે સ્થાપિત કરવામાં આવ્યો છે. શિવ ભક્તો દ્વારા સરકાર સમક્ષ તે સ્થળે જલ્દી શિવ મંદિર બનાવવાની માગણી કરવામાં આવી છે. શહેરના મેજિસ્ટ્રેટે તે અનોખા પથ્થરનું નિરીક્ષણ કર્યા બાદ પુરાતત્વ વિભાગને લેખિત જાણ કરવામાં આવી હોવાની માહિતી આપી હતી. 

 

(7:52 pm IST)