Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ભાજપે કરેલા પાપનો ભોગ લોકો શા માટે બને : મમતા

હિંસક ઘટનાઓ પાછળ રાજકીય પક્ષોનો હાથ હોવાનો દાવો : પશ્ચિમ બંગાળના હાવડાના પંચલા બજારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે ભારે અથડામણ થઈ હતી

કોલકાતા, તા.૧૧ : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે દાવો કર્યો હતો કે હાવડા જિલ્લામાં હિંસક ઘટનાઓ પાછળ કેટલાક રાજકીય પક્ષોનો હાથ છે. તેમણે રાજ્યમાં રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું છે.

સીએમ મમતા બેનર્જીએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી અંગે ભાજપના ૨ નેતાઓ પર થયેલી કાર્યવાહી અને આ મામલે શરૂ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા પ્રશ્નો કર્યો છે કે, પાર્ટી દ્વારા કરવામાં આવેલા પાપનો ભોગ સામાન્ય લોકો શા માટે સહન કરશે?

મમતા બેનર્જીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, હાવડા જિલ્લામાં સતત બીજા દિવસે હિંસા થઈ રહી છે. આ હિંસક ઘટનાઓ પાછળ રાજકીય પક્ષોનો હાથ છે. તેઓ ઈચ્છે છે કે રમખાણો થાય. મમતાએ વધુમાં કહ્યું હતું કે, આ સહન કરવામાં નહીં આવે. આવું કરનાર તમામ લોકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા પ્રશ્ન પૂછ્યો હતો કે, ભાજપ પાપ કરશે, લોકો ભોગવશે...?

નોંધનીય છે કે, પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે શુક્રવારે સમગ્ર દેશમાં હોબાળો મચ્યો હતો. ત્યારબાદ શનિવારે પણ આ મામલે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

આ દરમિયાન પશ્ચિમ બંગાળના હાવડાના પંચલા બજારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

આ દરમિયાન આગને કાબૂમાં લેવામાં પોલીસને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અહીંની મુશ્કેલ પરિસ્થિતિને જોતા વિવિધ વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે ત્યાં કર્ફ્યુ ૧૫ જૂન સુધી ચાલુ રહેશે.

 

(7:55 pm IST)