Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

હિંસા બાદ મમતા સરકાર એક્શનમાં :હાવડાના પોલીસ કમિશ્નરને પાણીચું નવા સીપી તરીકે પ્રવીણ ત્રિપાઠી

હાવડા ગ્રામીણ એસપી સૌમ્યા રોયને પણ હટાવી દેવાયા: પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં ત્રણ દિવસ ઈન્ટરનેટ બંધ

કોલકતા :પયગંબર મહોમ્મદ પર વિવાદિત ટિપ્પણીના પગલે દેશભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જેના પગલે ગઈકાલે જુમ્માના નમાઝ બાદ ખાસ કરીને પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ અને ઝારખંડમાં હિંસા ફાટી નીકળી હતી. પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં ત્રણ દિવસ ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી છે. આ સ્થિતિ વચ્ચે હિંસા કેસમાં હાવડા પોલીસ કમિશનર સી. સુધાકરની હકાલપટ્ટી કરવામાં આવી છે. પ્રવીણ ત્રિપાઠીને હાવડાના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ સિવાય હાવડા ગ્રામીણ એસપી સૌમ્યા રોયને હટાવી દેવામાં આવ્યા છે. પ્રવીણ ત્રિપાઠીને હાવડાના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સ્વાતિ ભંગાલિયા હાવડા ગ્રામ્યના એસપી રહેશે. મમતા સરકારે સી. સુધાકરને કોલકાતાના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે સૌમ્યા રોયને DCP, કોલકાતામાં SW બનાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, આ અગાઉ પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારની સુરક્ષામાં તૈનાત કેન્દ્રીય દળોના જવાનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. હાવડામાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા મુસ્લિમ સમુદાયના લોકોએ ઉલુબેરિયામાં ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરી અને આગ ચાંપી હતી. મજમુદાર ઘટનાસ્થળની મુલાકાત લેવા નીકળવાના હતા, પરંતુ સવારે જ તેમના ઘરને પોલીસે ઘેરી લીધું હતું અને બહાર નીકળતા અટકાવ્યા હતા. આ અંગેની માહિતી મળતાં જ ભાજપના સેંકડો કાર્યકરો અને નેતાઓ મજમુદારના ઘરે પહોંચ્યા હતા. જે બાદ મજમુદાર તેમની સાથે ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યાંથી પોલીસનો કોર્ડન બ્રેક કરીને નીકળી ગયા હતા બાદમાં હાવડાના પંચલા જતા રસ્તામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ હાવડાના હિંસાગ્રસ્ત વિસ્તારમાં જતી વખતે થઈ હતી.

(12:48 am IST)