Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમેરિકામાં સિનિયર સિટિઝન સાથે છેતરપિંડી : ભારતીય નાગરિક અનિરૃદ્ધ કાલકોટેની ધરપકડ

૨૪ વર્ષના અનિરૃદ્ધે ૧૨ વરિષ્ઠ નાગરિકો સાથે ઈ-મેઈલના માધ્યમથી છેતરપિંડી કરી હોવાનો આરોપ : આ કેસમાં અગાઉ ત્રણ ભારતીયો ઝડપાઇ ચુક્યા છે

અમેરિકામાં સિનિયર સિટિઝન સાથે છેતરપિંડી કરતા ભારતીય નાગરિક અનિરૃદ્ધ કાલકોટેની ધરપકડ થઈ હતી. ૨૪ વર્ષના અનિરૃદ્ધે ૧૨ વરિષ્ઠ નાગરિકો સાથે ઈ-મેઈલના માધ્યમથી છેતરપિંડી કરી હોવાનો આરોપ લાગ્યો છે. અગાઉ આ કૌભાંડમાં ત્રણ ભારતીય નાગરિકો ઝડપાઈ ચૂક્યા છે.

વર્જિનિયામાં રહેતા ૨૪ વર્ષના ભારતીય નાગરિક અનિરૃદ્ધ કાલકોટે સામે ૧૨ સિનિયર સિટિઝનને છેતરવાનો આરોપ લાગ્યો છે. આ સંગીન આરોપ હેઠળ અનિરૃદ્ધની પોલીસે ધરપકડ કરી છે. સિનિયર સિટિઝન્સને ઈ-મેઈલ મોકલીને અલગ અલગ રીતે છેતરપિંડી થતી હતી. આ કૌભાંડ દેશવ્યાપી ચાલતું હતું અને અનિરૃદ્ધ કાલકોટે ઉપરાંત પણ અગાઉ ત્રણ આરોપીઓ આ આરોપ હેઠળ પકડાઈ ચૂક્યા છે.

અગાઉ સુમિત કુમાર સિંહ, હિમાંશું કુમાર અને હસિબ એમ ત્રણ આરોપીઓ પકડાયા હતા. આ ત્રણેય આરોપીઓ પણ ભારતીય નાગરિકો છે અને હ્યુસ્ટનમાં રહેતા હતા. વિવિધ કાયદાનો ડર બતાવીને અમેરિકાના સિનિયર સિટિઝન્સને મેઈલ કરવામાં આવતા હતા અને તેમની પાસેથી અલગ અલગ જોગવાઈઓ દર્શાવીને જંગી રકમ વસૂલવામાં આવતી હતી. આરોપ પ્રમાણે ઘણાં સિનિયર સિનિઝન્સ તો એકથી વધુ વખત છેતરાયા હતા. ૨૪ વર્ષના અનિરૃદ્ધ સામે ૧૨ સિનિયર સિટિઝન્સે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે આ આરોપી પૈસાની માગણી કરતો હતો. એ પછી પૈસા નહીં મળે તો હુમલો કરવાની ધમકી પણ આપતો હતો.

(12:59 am IST)