Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

છેલ્લા પાંચ વર્ષમાં બેન્‍કોના રૂા. ૧૦ લાખ કરોડ NPA

મેહુલ ચોકસીની કંપની ગીતાંજલી જેમ્‍સ પાસે બેન્‍કોના ૭૧૧૦ કરોડના લેણા છે : નાણાપ્રધાન

નવી દિલ્‍હી,તા. ૧૧: છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં કોમર્શિયલ બેન્‍કોએ આશરે રૂ. ૧૦ લાખ કરોડની લોન (શંકાસ્‍પદ એકાઉન્‍ટ-NPA) માંડવાળ કરી છે, એમ રાજય કક્ષાના નાણાપ્રધાન ભાગવત કે. કરાડે રાજયસભામાં એક સવાલના જવાબમાં જણાવ્‍યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં બેન્‍કો દ્વારા માંડી વાળવામાં આવેલી રકમ (NPA) ૨૦૨૦-૨૧ના રૂ. ૨,૦૨,૭૮૧ કરોડની તુલનાએ રૂ. ૧,૫૭,૦૯૬ કરોડ હતી એમ તેમણે કહ્યું હતું.

તેમણે રાજયસભામાં જણાવ્‍યું હતું કે વર્ષ ૨૦૧૯-૨૦માં બેન્‍કો દ્વારા માંડી વાળવામાં આવેલી રકમ (NPA) વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ, ૨,૩૬,૨૬૫ કરોડની તુલનાએ ઘટીને  રૂ. ૨,૩૪,૧૭૦ કરોડ હતી, જે પાંચ વર્ષના સૌથી નીચલા ક્રમે હતી. બેન્‍કો દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ. ૧,૬૧,૩૨૮ કરોડની રકમ (NPA) રાઇટઓફ કરવામાં આવી હતી. આમ છેલ્લાં પાંચ વર્ષમાં કોમર્શિયલ બેન્‍કો દ્વારા રૂ. ૯,૯૧૬૪૦ કરોડની બેડ લોન માંડવાળ (શંકાસ્‍પદ ખાતામાં ટ્રાન્‍સફર) કરવામાં આવી હતી.

શિડ્‍યુલ્‍ડ કોમર્શિયલ બેન્‍ક (SCB) અને બધી ભારતીય નાણાકીય સંસ્‍થાઓ રિઝર્વ બેન્‍ક સેન્‍ટ્રલ રિપોઝિટરી ઇન્‍ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ ડેટાબેઝ હેઠળ રૂ. પાંચ કરોડ અને એનાથી વધુની લોન લેનારા લોનધારકો વિશે માહિતી આપે છે.

દેશમાં જાણીબૂજીને ડિફોલ્‍ટ થનારા લોનધારકોની સંખ્‍યા વર્ષ ૨૦૨૦-૨૧માં સૌથી વધુ હતી. એ વર્ષમાં ૨૮૪૦ લોકોએ લોન ચૂકવવામાં ડિફોલ્‍ટ થયા હતા. એ પછીના વર્ષ એ સંખ્‍યા ૨૭૦૦ની હતી. માર્ચ, ૨૦૧૯માં એવા ડિફોલ્‍ટરોની સંખ્‍યા ૨૨૦૭ હતા, જે વર્ષ ૨૦૧૯-૨૦માં વધીને ૨૪૬૯ થઈ હતી. દેશમાંથી ફરાર થયેલા વેપારી મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્‍સ  પાસે બેન્‍કોના ૭૧૧૦ કરોડનાં લેણાં છે.

(10:42 am IST)