Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મહારાષ્‍ટ્રમાં IT વિભાગનો સપાટોઃ દરોડા દરમ્‍યાન ૩૯૦ કરોડની બેનામી સંપતિનો ખુલાસો થયો

૫૮ કરોડ રોકડાઃ ૩૨ કિલો સોનુઃ હીરા-મોતી મળ્‍યા : રોકડની ગણતરી કરતા ૧૩ કલાક લાગ્‍યા

મુંબઈ, તા.૧૧: કેન્‍દ્રીય તપાસ એજન્‍સી ED બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્‍શનમાં છે. બંગાળ બાદ મહારાષ્‍ટ્રમાં પણ આવકવેરા વિભાગના દરોડામાં જંગી રોકડ મળી આવી છે. મહારાષ્‍ટ્રના જાલનામાં આવકવેરા વિભાગે સ્‍ટીલ, કાપડ વેપારી અને રિયલ એસ્‍ટેટ ડેવલપર પર દરોડા પાડ્‍યા છે, જેમાં વિભાગને મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળી આવી છે. આવકવેરા વિભાગે લગભગ ૩૯૦ કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે, જેમાં ૫૮ કરોડ રૂપિયા રોકડા, ૩૨ કિલો સોનું, હીરા અને મોતી અને ઘણી સંપત્તિના કાગળો મળી આવ્‍યા છે. રોકડની ગણતરી કરતા ૧૩ કલાક લાગ્‍યા હતા.

દરોડામાં મળી આવેલી રોકડની ગણતરી કરવામાં વિભાગને ૧૩ કલાક લાગ્‍યા હતા. ઈન્‍કમટેક્‍સે ૧ થી ૮ ઓગસ્‍ટ વચ્‍ચે આ કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગની નાસિક શાખાએ આ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાજ્‍યભરમાંથી ૨૬૦ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આઈટી કર્મચારીઓને પાંચ ટીમોમાં વહેંચવામાં આવ્‍યા હતા અને દરોડામાં ૧૨૦ થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો.

કાપડ અને સ્‍ટીલના વેપારીના ઘરેથી મળેલી રોકડ જાલનાની સ્‍થાનિક સ્‍ટેટ બેંક શાખામાં લઈ જવામાં આવી હતી અને તેની ગણતરી કરવામાં આવી હતી. રોકડની ગણતરી સવારે ૧૧ વાગ્‍યે શરૂ થઈ હતી અને રાત્રે લગભગ ૧ વાગ્‍યે સમાપ્ત થઈ હતી. આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે જાલનાની ચાર સ્‍ટીલ કંપનીઓના વ્‍યવહારમાં અનિયમિતતા છે, જેના પછી આવકવેરા વિભાગ એક્‍શનમાં આવ્‍યું. આઈટીની ટીમે ઘર અને કારખાનાઓમાં દરોડા પાડ્‍યા હતા. જોકે ટીમને ઘરમાં કંઈ મળ્‍યું ન હતું, પરંતુ શહેરની બહાર ફાર્મહાઉસમાં રોકડ અને સોનું અને હીરા સહિતના ઘણા કાગળો મળી આવ્‍યા હતા.

(10:39 am IST)