Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

યમુનામાં યાત્રીઓથી ભરેલી બોટ ડૂબી : 25થી વધુ યાત્રિકોમાંથી 20થી વધુ લોકો ડૂબી જવાની આશંકા

લોકોને બચાવવા રાહત કાર્ય શરૂ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટીતંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા નિર્દેશ આપ્યો

બાંદા તા.11 : યમુના નદીમાં બોટ ડૂબી જવાથી મોટી દુર્ઘટના થઈ છે. 20 થી વધુ લોકો ડૂબી ગયા હોવાના અહેવાલ છે. બાંદા ફતેહપુરની સીમમાં માર્કા ઘાટ પર મુસાફરોથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. બાંદા અને ફતેહપુર પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગી ગઈ છે. બોટમાં 25થી વધુ લોકો સવાર હતા. થાણા અસોથરના રામ નગર કૌહાન ઘાટની સામે બોટ ડૂબી ગઈ છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસે નદીમાંથી બે બાળકો અને એક મહિલાના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસ અને ગોતાખોરોની મદદથી બાકીના લોકોની શોધ કરવામાં આવી રહી છે.

બાંદા-ફતેહપુર બોર્ડર પર યમુના નદીમાં મુસાફરોથી ભરેલી બોટ ડૂબી ગઈ છે. જેને લઈ બાંદા અને ફતેહપુર પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગી છે. પ્રાથમિક વિગતો મુજબ બોટમાં 25થી વધુ લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના મોત થયા તો અન્ય લોકોની બચાવવા રાહતકાર્ય શરૂ કરાયું છે.

ઉત્તર પ્રદેશમાં બાંદા-ફતેહપુર બોર્ડર પર યમુના નદીમાં આજે એક બોટ ડૂબી ગયાના સમાચાર સામે આવ્યા છે. જેને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાંદા જિલ્લામાં બોટ દુર્ઘટનાને લઈને જિલ્લા પ્રશાસનને રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા સૂચના આપી છે. આ તરફ લોકોને નદીમાંથી બહાર કાઢીને યોગ્ય સારવાર આપવાની કવાયત હાથ ધરાઇ છે.

આજે યમુના નદીમાં બોટ ડૂબી જવાની ઘટનાને લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બોટ દુર્ઘટનાના સંદર્ભમાં જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. દુર્ઘટનામાં થયેલા જાનહાનિ અંગે શોક વ્યક્ત કરતા તેમણે શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા મેજિસ્ટ્રેટ, ડીઆઈજી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે જવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે.

 

(8:26 pm IST)