Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કરદાતાઓને મોટો ઝટકો : હવે આવકવેરો ભરનાર અટલ પેન્શન યોજના માટે અરજી કરી શકશે નહીં

મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના અટલ પેન્શન યોજનામાં સરકારે મોટો ફેરફાર કર્યો : APYમાં દર મહિને 5000 રૂ. સુધીનુ પેન્શન મળવાની જોગવાઈ

નવી દિલ્લી તા.11 : મધ્યમવર્ગની સામાજિક સુરક્ષા આપતી અટલ પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલી મોદી સરકારની આ ખાસ યોજનામાં હવે જો વ્યક્તિ આવ્કેવરો ભરતો હોય તો તેને નોંધણી કરવા દેવામાં આવશે નહી. નિવૃત્તિ બાદ સિક્યોર લાઈફની ઈચ્છા રાખનારા લોકો માટે અટલ પેન્શન યોજના એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

નાણા મંત્રાલય તરફથી જાહેર નોટીફિકેશન મુજબ આ નિયમ 1 ઓક્ટોબર, 2022થી લાગુ થશે. ત્યારબાદ એવુ કોઈ પણ વ્યક્તિ જે આવકવેરા કાયદા મુજબ ઈન્કમટેક્સ પેયર છે તો તે અરજી કરી શકશે નહીં. જો તે આવુ કરતા પકડાશે તો તાત્કાલિક તેનુ ખાતુ બંધ કરી દેવામાં આવશે. આ સાથે એવા સમય સુધી જમા પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર થઇ જશે. જેમાં કોઈ પણ પ્રકારની ગડબડ ના હોય. જેના માટે સરકાર તરફથી સમય પ્રમાણે તેનો રિવ્યુ પણ કરવામાં આવશે.

હાલના નિયમો મુજબ જો તમે ભારતના નાગરિક છો તો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે છે અને કોઈ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં તમારું બચત ખાતુ છે તો તમે APY માટે અરજી કરી શકો છો. ઉલ્લેખનીય છે કે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાથી નક્કી ઉંમર થયા બાદ દર મહિને 5 હજાર રૂપિયા સુધીનુ પેન્શન મળવાની જોગવાઈ છે.

પેન્શન ફંડ નિયામક તરફથી જાહેર આંકડા મુજબ આ યોજના દ્વારા 4 કરોડથી વધુ સબ્સક્રાઈબર્સ જોડાઈ ગયા છે. PFRDAએ જણાવ્યું કે નાણાંકીય વર્ષ 2021-22માં આશરે 1 કરોડ લોકોએ APY એકાઉન્ટ ખોલાવ્યું છે.

 

(10:53 pm IST)