Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કર્ણાટક હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય : જો દુર્ઘટનામાં માતા-પિતાનું મોત થાય તો પરિણીત દીકરીઓ પણ વળતર માટે હકદાર ગણાય

વિવાહિત દીકરા હોય કે દીકરી, બંને માતા-પિતાના મૃત્યુ પર મળતા વળતરના હકદાર છે. તેમાં ભેદભાવ ન કરી શકાય : કોર્ટ

બેંગલોર, તા.11 : કર્ણાટક હાઈકોર્ટે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. કર્ણાટક હાઈકોર્ટે પરિણીત એટલે કે વિવાહિત દીકરીઓના પક્ષમાં એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે જણાવ્યું કે, જો કોઈ દુર્ઘટનામાં માતા-પિતાનું મૃત્યુ થઈ જાય તો ઈન્સ્યોરન્સ કંપનીઓ પાસેથી મળતા વળતરમાં પરિણીત દીકરીઓ પણ હકદાર ગણાય.

કોર્ટે સુપ્રીમ કોર્ટના એ આદેશનો પણ ઉલ્લેખ કર્યો જેમાં દીકરાઓને વળતરનો અધિકાર આપવાની વાત કરવામાં આવી છે. હાઈકોર્ટે જણાવ્યું કે, વિવાહિત દીકરા હોય કે દીકરી, બંને માતા-પિતાના મૃત્યુ પર મળતા વળતરના હકદાર છે. તેમાં ભેદભાવ ન કરી શકાય.

હાઈકોર્ટની એક જજવાળી બેંચમાં ઈન્સ્યોરન્સ કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી મામલે સુનાવણી કરવામાં આવી હતી. આ કેસ 12 એપ્રિલ 2012નો છે. હુબ્બાલી સ્થિત યામાનુર પાસે એક ગાડી અકસ્માતનો ભોગ બની તેમાં 57 વર્ષીય રેણુકાનું મોત થયું હતું.

ત્યાર બાદ રેણુકાના પતિ, 3 દીકરીઓ અને એક દીકરાએ વળતરની માંગણી કરી હતી. મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે તે કેસમાં 6 ટકા વાર્ષિક વ્યાજ સાથે 5,91,600 રૂપિયાનું વળતર નિર્ધારિત કર્યું હતું. જોકે ઈન્સ્યોરન્સ કંપનીએ તેને હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે વિવાહિત દીકરીઓ વળતરનો દાવો ન કરી શકે અને તે ડિપેન્ડેન્ટ પણ નથી.

 

(11:43 pm IST)