Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

બિહારમાં નવી સરકારના મોટાભાગના મંત્રીઓના નામ ફાઇનલ : કોંગ્રેસની યાદી હજુ સુધી સસ્પેન્સ

જનતા દળ યુનાઈટેડ અને રાષ્ટ્રીય જનતા દળમાં મોટાભાગના નામો નક્કી થઈ ગયા

બિહારમાં કાકા-ભત્રીજાની જોડીએ બીજી ઇનિંગ શરૂ કરી છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે 10 ઓગસ્ટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ બાદ બંનેએ કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજી હતી અને વિશ્વાસ મત મેળવવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું, પરંતુ કેબિનેટના બાકીના સભ્યોના શપથ ગ્રહણ પર સસ્પેન્સ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકારમાં લગભગ 70% કેબિનેટના નામ નક્કી કરવામાં આવ્યા છે. જનતા દળ યુનાઈટેડ અને રાષ્ટ્રીય જનતા દળમાં મોટાભાગના નામો નક્કી થઈ ગયા છે, પરંતુ કોંગ્રેસ તરફથી હજુ મંત્રીઓની યાદી મળી નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નીતીશ સરકારની નવી કેબિનેટમાં આવા ઘણા ચહેરા સામેલ થઈ શકે છે, જેમને હજુ સુધી મંત્રી બનવાની તક મળી નથી. જનતા દળ યુનાઈટેડના કેટલાક જૂના ચહેરા પણ રજા પર હોઈ શકે છે. RJD તરફથી કેબિનેટમાં સામેલ થનારા મોટાભાગના નવા ચહેરાઓ હોઈ શકે છે. જોકે બંને પક્ષો તરફથી ધ્યાન રાખવામાં આવશે કે પ્રાદેશિક સમીકરણો તેમજ જ્ઞાતિના સમીકરણો અનુસાર મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે. જો કે લાલુ યાદવે આરજેડી મંત્રીઓના નામ પર આખરી મહોર લગાવવાની છે, પરંતુ તેજસ્વી યાદવ પોતાના હિસાબે ચહેરા પસંદ કરી રહ્યા છે.

બીજી તરફ નીતીશ કુમાર પણ પોતાના મંત્રીઓના ક્વોટામાં ફેરફાર કરવા માંગે છે. સમાચાર અનુસાર, નીતિશ કુમાર JDUના કેટલાક જૂના મંત્રીઓને અલવિદા કહી શકે છે. સામાજિક સમીકરણની વાત કરીએ તો કેટલાક નવા ચહેરા પણ સામેલ થઈ શકે છે, પરંતુ મોટા ભાગના ચહેરા એવા હશે જેઓ પહેલાથી જ નીતિશ કુમારની કેબિનેટમાં સામેલ થઈ ચૂક્યા છે. સરકાર ભલે મહાગઠબંધનની પછી એનડીએની અને હવે મહાગઠબંધનની રહી હોય, પરંતુ નીતિશ કુમારની સાથે કેબિનેટમાં કાયમી રીતે કેટલાક ચહેરા જોવા મળ્યા છે અને નીતિશ ફરી એકવાર આ ચહેરાઓને પ્રાધાન્ય આપશે.

JDU તરફથી આ સંભવિત ચહેરાઓ હોઈ શકે છે – વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, અશોક ચૌધરી, ઉપેન્દ્ર કુશવાહા, શીલા કુમારી, શ્રવણ કુમાર, મદન સાહની, સંજય કુમાર ઝા, લેશી સિંહ, સુનીલ કુમાર, જયંત રાજ, જમાન ખાન.

 

(11:50 pm IST)