Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

પોરબંદરમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં સાંદિપની ગૌરવ એવોર્ડ એનાયત સમારોહ યોજાયો

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ: સાંદિપની ગૌરવ એવોર્ડ એ ભાવ પૂજન છે: ભાઈશ્રી રમેશભાઈ ઓઝા: સમાજ સેવકોનું સાંદિપની આશ્રમ સંસ્થા દ્વારા સન્માન થાય છે તે તેનું ગૌરવ છે; ડો. નીમાબેન આચાર્ય

પોરબંદરમાં ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી સાંદિપની આશ્રમ ખાતે 25 મો સાંદિપની ગૌરવ એવોર્ડ સમારોહ સંસ્કૃતિ અને ઋષિ પરંપરાના વાતાવરણમાં યોજાયો હતો.

  આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
   આ કાર્યક્રમમાં સાંદિપની ગૌરવ એવોર્ડ ૨૦૨૦ની ચયન સમિતિના સભ્યો દ્વારા એવોર્ડ માટે પસંદ કરાયેલા ચાર કેટેગરીમાં ભારત વર્ષના સમાજ સેવાના ક્ષેત્રમાં વિભૂતિ વ્યક્તિઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  જેમાં રાજેશ્રીવર્ય એવોર્ડ સમાજસેવા બદલ રિલાયન્સ પરિવારના કોકિલાબેન ધીરુભાઈ અંબાણીને, દેવર્ષિ એવોર્ડ ગોવિંદગીરીજી  મહારાજ, મહર્ષિ એવોર્ડ સાંસદ અને સેવાભાવી ડો.અચ્યુતાનંદ સામંતજી ભુવનેશ્વરને તેમજ બ્રહ્મર્ષિ એવોર્ડ પ્રો. રાજારામ શુક્લ બનારસને આપવામાં આવ્યો હતો.
 કોકિલાબેન અંબાણી વતી આ એવોર્ડ શ્રીમતી ટીનાબેન અંબાણી અને અનિલ અંબાણીએ સ્વીકાર્યો હતો. કોકિલાબેન અંબાણીએ વિડિયો માધ્યમથી પ્રતિભાવ આપી સામાજિક દાયિત્વ અને સેવાની પ્રેરક વાત કરી સૌનો આભાર માન્યો હતો. આ ઉપરાંત સન્માન પ્રાપ્ત  ગોવિંદગિરિજી મહારાજે ભારતીય સંસ્કૃતિ અને ઋષિ પરંપરાની તેમજ વિવિધ ઉપનિષદોનું મહાત્મય અને શિક્ષણ ગુરુકુળ શિક્ષણ પ્રણાલી સગૌરવ માહિતી આપી હતી.
 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યેએ જણાવ્યું હતું કે સાંદિપની આશ્રમ દ્વારા ભારતીય સંસ્કૃતિને તેમજ રુષિ પરંપરાને ઉજાગર કરવા માટે શિક્ષણ ઉપરાંત જે સમાજ સેવાની પ્રવૃતિ કરવામાં આવે છે તેને સગૌરવ આવકારી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના માર્ગદર્શનમાં થઈ રહેલા સમાજસેવા અને સમાજસેવકોનું સન્માનિત કરવાના કાર્યોને  બિરદાવ્યા હતા. તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ અને મહિલાઓને લોકસેવાની તક આપવામાં આવી રહી છે તેની પણ સગૌરવ વાત કરી હતી.
   અધ્યક્ષ સ્થાનેથી ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ આશિર્વચન આપતા કહ્યું કે  અગાઉ ગુજરાતી સમાજસેવક વિભૂતિઓને એવોર્ડ માટે પસંદ કરવામાં આવતા હતા પરંતુ હવે સમગ્ર ભારત વર્ષમાં ભાવ પૂજન કરીને જુદા જુદા ક્ષેત્રમાં સમાજસેવા માટે પુરુષાર્થ કરનાર સમાજમાં વિશેષ યોગદાન આપનારને એવોર્ડ ચયન સમિતિ દ્વારા એવોર્ડ એનાયત કરવા માટે પસંદગી કરી સન્માનિત કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. તેઓએ ઋષિ પરંપરામાં સંપત્તિ શ્રી હરિની માનવામાં આવે છે. સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી સમાજને સેવાના હેતુથી આપવું એ આપણી સંસ્કૃતિની પરંપરા છે અને એ જ સાચી સેવા છે તેમ જણાવી આ એવોર્ડ હકીકતમાં ભાવ પૂજન છે તેમ જણાવ્યું હતું.
    આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા, મોહનભાઈ પટેલ, ભાગ્યેશ  ઝા, તેમજ પોરબંદરના સ્થાનિક આગેવાનો ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા ,કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, સાંદિપની પરિવાર- ભારતીય સંસ્કૃતિ વર્ધક ટ્રસ્ટ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 am IST)