Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની 13મા રાઉન્ડની મંત્રણા સળંગ 8 કલાક સુધી ચાલી

મંત્રણાનો 13 મો રાઉન્ડ પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીની બાજુ મોલ્ડો બોર્ડર પોઈન્ટ પર થયો

નવી દિલ્હી :  ભારત અને ચીન વચ્ચે બે મહિનાના અંતરાલ બાદ રવિવારે ઉચ્ચસ્તરીય સૈન્ય મંત્રણાનો થઈ હતી. આ વાતચીત લગભગ 8 કલાક સુધી ચાલી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોર્પ્સ કમાન્ડર સ્તરે મંત્રણાનો 13 મો રાઉન્ડ પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીની બાજુ મોલ્ડો બોર્ડર પોઈન્ટ પર થયો હતો. સવારે 10:30 વાગ્યાની આસપાસ વાતચીત શરૂ થઈ. આ સંવાદનો ઉદ્દેશ પૂર્વ લદ્દાખમાં સંઘર્ષના બાકીના સ્થળોમાંથી સૈનિકોને પાછો ખેંચવાની દિશામાં આગળ વધવાનો છે.

અગાઉ વિદેશ મંત્રાલય (MEA) એ જાણ કરી હતી કે તે બેઇજિંગને દ્વિપક્ષીય કરારો અને પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરીને પૂર્વ લદ્દાખમાં LAC સાથે બાકી રહેલા મુદ્દાના વહેલા નિરાકરણ તરફ કામ કરવાની અપેક્ષા રાખે છે. લગભગ ત્રણ સપ્તાહ પહેલા, વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યીને કહ્યું હતું કે, પૂર્વ લદ્દાખમાં બાકીના મુદ્દાઓના વહેલા નિરાકરણ માટે બંને પક્ષોએ કામ કરવું પડશે. આ પૃષ્ઠભૂમિમાં આ વાતચીત થઈ. 16 સપ્ટેમ્બરે દુશાંબેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ મળ્યા હતા.

ભારત અને ચીન વચ્ચે વાટાઘાટોનો 12 મો રાઉન્ડ 31 જુલાઈએ યોજાયો હતો. થોડા દિવસો પછી બંને દેશોની સેનાઓએ ગોગરામાંથી તેમના સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી અને તેને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની પુન: સ્થાપના તરફ એક મોટું અને નોંધપાત્ર પગલું માનવામાં આવ્યું. રવિવારે યોજાયેલી મંત્રણામાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યા હતા જે લેહ સ્થિત 14 મી કોર્પ્સના કમાન્ડર છે.

(12:00 am IST)