Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

લખીમપુર હિંસા કેસમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના 7 સભ્યોનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિની મુલાકાત કરશે

પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ સમક્ષ વિગતવાર હકીકતો રજૂ કરવાની પરવાનગી માગી

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના લખીમપુર હિંસા કેસમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીના 7 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે કોંગ્રેસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાતની માગ કરી છે. પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિ સમક્ષ વિગતવાર હકીકતો રજૂ કરવાની પરવાનગી માગી છે.

કોંગ્રેસે દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું કહ્યું કે, માર્યા ગયેલા ખેડૂતોને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીના પુત્રના વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. તે કાર ચલાવી રહ્યો હતો. ચારે બાજુ વિરોધ અને સુપ્રીમ કોર્ટની હસ્તક્ષેપ છતાં, દોષિતો સામે કોઈ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ મંત્રી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

3 ઓક્ટોબરે લખીમપુર હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. જે બાદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ બુધવારે ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં મૃતક ખેડૂત લવપ્રીત સિંહના સંબંધીઓને મળ્યું હતું.

રાહુલ ગાંધીએ પોતાની લખીમપુર મુલાકાત સાથે સંબંધિત વિડીયો જાહેર કરતા શુક્રવારે કહ્યું કે પીડિતોને ન્યાય આપવો પડશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઘટનાસ્થળે જતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને લખીમપુર હિંસામાં વિરોધી ખેડૂતોની હત્યા થયા બાદ બે દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં હતા. આ પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતોના પરિવારોને મળ્યા હતા.

કોંગ્રેસ તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા માટે સિનિયર નેતાઓ જશે. જેમાં કોંગ્રેસ સમિતિના મહામંત્રી કે.સી. વેણુગોપાલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સાંસદ એકે એન્ટોની, સાંસદ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિને મળવા જશે.

(11:00 pm IST)