Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રેલવેમાં પાન-ગુટખાં ખાઇને મરાતી પિચકારીના ડાઘ સાફ કરવામાં રૂ. ૧૨૦૦ કરોડનો ખર્ચ

રેલવે દ્વારા પોકેટ સાઇઝની બાયોડીગ્રેડેબલ થૂંકદાનીઓ બનાવાઈ રહી છેઃ૪૨ સ્ટેશનો ઉપર તેના વેન્ડિંગ મશીન મૂકાશે

નવી દિલ્હી,તા.૧૧: રેલ્વેમાં મુસાફરી કરતી વખતે પાન અને ગુટખાં કાઇને ડબામાં જ થૂંકવું અને પિચકારી મારવી ભારતીય મુસાફરો માટે તદ્દન સહજ અને સામાન્ય બાબત છે અને તે અંગે તેમને કોઇ શરમ કે ખેદ પણ નથી હોતો, ઉલ્ટાનું તેઓ રેલ્વેના કમ્પાર્ટમેન્ટમાં પાન ગુટખાં કાઇને પિચકારી મારવાને પોતાનો મૂળભૂત અધિકાર સમજે છે.

પરંતુ આ તેઓને એ ખબર નથી કે તેઓ દ્વારા પાન અને ગુટખાં કાઇને મારવામાં આવતી પિચકારીના કારણે કમ્પાર્ટમેન્ટમાં જે ડાઘ પડી જાય છે તેની સાફ-સફાઇ કરવા પાછળ રેલ્વે રૂ. ૧૨૦૦ કરોડનો તોતિંગ ખર્ચ અને કરોડો ગેલન પાણીનો ઉપયોગ કરવો પડે છે. કોવિડ-૧૯ના રોગચાળો જયારે પીક ઉપર હતો ત્યારે સરકારે જાહેરમાં થૂંકવા બાબતે ભારે દંડ ઝીંકવાની જોગવાઇ અમલમા મૂકી હતી પરંતુ પ્રજા ઉપર તે જોગવાઇની પણ કોઇ અસર થઇ નહોતી.

જો કે આ સમસ્યાના એક ઉપાય તરીકે હવે રેલ્વે દ્વારા પોકેટ સાઇઝની ફરીથી ઉપયોગમાં લઇ શકાય એવી બાયોડીગ્રેડેબલ થૂંકદાનીઓ વિકસાવવામાં આવી રહી છે. આ થૂંકદાનીઓ એવી હશે જેમાં વનસ્પતિના બી પણ સમાયેલા હશે અને જયારે તેનો નિકાલ કરવામાં આવશે ત્યારે તેમાં રહેલાં બી માંથી નાના છોડ ઉગી નીકળશે.

આ પ્રકારની થૂંકદાનીઓ (પાઉચ) મુસાફરોને મળી રહે તે માટે હાલ પૂરતા દેશના ૪૨ સ્ટેશનો ઉપર તેના વેન્ડિંગ મશીનો અને કિઓસ્ક ઉબા કરવામાં આવશે અને પાન ગુટખાં ખાઇને વારંવાર થૂંકવાની કુટેવ ધરાવતા લોકો તે મશીન કે કિઓસ્કમાંથી રૂ. ૫ થી રૂ. ૧૦ સુધીની ચુકવણી કરીને તે થૂંકદાની (પાઉચ) ખરીદી શકશે.

રેલ્વે દ્વારા ઇઝી સ્પીટ કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી પશ્ચિમ, ઉત્ત્।ર અને મધ્ય રેલ્વેને સોંપવામાં આવી છે. આ પાઉચ એવા હશે જેને પોકેટમાં આસાનીથી રાખી શકાશે અને જયારે પણ થૂંકવાની ઇચ્છા હશે ત્યારે તેને બહાર કાઢી તેમાં થૂંકી શકાશે, જેના કારણે રેલ્વે સ્ટેશનો ને કમ્પાર્ટમેન્ટ સાફ-સુથરાં રહેશે.

(9:59 am IST)