Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જામીન આપતા પહેલા કેસની ગંભીરતા ચકાસવી જરૂરી

નીચલી કોર્ટો દ્વારા અપાયેલા જામીન રદ કરવાનો સુપીરિયર કોર્ટને અધિકાર છે : સુપ્રીમ : દહેજના કેસમાં સાસુને આપેલા જામીન સુપ્રીમે રદ કર્યા

નવી દિલ્હી, તા.૧૧: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઇ અપરાધી કે આરોપીને આપવામાં આવેલા જામીન રદ થઇ શકે છે. આ માટે કોર્ટ અપરાધોની ગંભીરતા, સામાજિક પ્રભાવ વગેરે પર ધ્યાન આપીને જામીન રદ પણ કરી શકે છે.

મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ હેમા કોહલીની બેંચે એક કેસના ચુકાદા સમયે કહ્યું હતું કે અપરાધની ગંભીરતા, આરોપોનું આચરણ અને જયારે તપાસ અંતીમ તબક્કામાં હોય ત્યારે સુપીરિયર કોર્ટ ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવા માટે કોઇ પણ અપરાધી કે આરોપીના જામીન રદ કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે દહેજ હત્યાના એક મામલામાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા એક સાસુને આપવામાં આવેલા આગોતરા જામીન રદ કર્યા હતા. જે સમયે કોર્ટે જામીન અંગે આ અવલોકન કર્યું હતું. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે મામલામાં આરોપી વિરુદ્ઘના જે આરોપો છે તે અત્યંત ગંભીર છે. ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હોવા છતા આરોપી બે વર્ષથી ફરાર હતા. આ કેસમાં જામીન મંજૂર ન કરી શકાય.

(10:00 am IST)