Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મ.પ્રદેશ ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર રોકની માગણી : VHPએ લગાવ્‍યા પોસ્‍ટર્સ

‘બિન-હિન્‍દુઓ પોતાની ધાર્મિક માન્‍યતામાં હિન્‍દુ રિવાજોને નથી માનતા, તો તેમણે ગરબા પંડાલોમાં પણ ન આવવું જોઇએ'

નવી દિલ્‍હી તા. ૧૧ : મધ્‍ય પ્રદેશના રતલામ ખાતે ગરબા પંડાલોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાના પ્રયત્‍નોથી વિવાદ સર્જાયો છે. વિશ્વ હિંદુ પરિષદ ધર્મ પ્રસાર આયામના કાર્યકરોએ ગરબા પંડાલોમાં બિન-હિંદુઓનો પ્રવેશ રોકવાની માગણી કરી છે અને તેના પોસ્‍ટર્સ પણ છપાવ્‍યા છે.
વિહિપ ધર્મ પ્રસારના જિલ્લા મંત્રી ચંદન શર્માના કહેવા પ્રમાણે ‘ઘણી વખત ગરબા પંડાલોમાં અનિચ્‍છનીય તત્‍વો ઘૂસી જાય છે જેથી અમારી માતા-બહેનોને મુશ્‍કેલી થાય છે. ધર્મ વિશેષમાં મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવેલો છે તો પછી માતાના પંડાલોમાં તેમનું શું કામ? તેમ છતાં જો તેમને ગરબામાં આવવું ગમતું હોય તો તેમના ઘરની મહિલાઓ પાસે પણ ગરબા કરાવે. જો કાશ્‍મીરમાં આઈડી જોઈને શિક્ષકોને માર્યા છે તો અમે પણ આઈડી જોઈને બિન-હિંદુઓનો પ્રવેશ રોકીશું.'
હાલ શહેરના ગરબા પંડાલોમાં આવા પોસ્‍ટર્સ લગાવવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ ગ્રામીણ ક્ષેત્રોમાં પણ તેનો પ્રસાર કરવામાં આવશે. તે સિવાય કાર્યકરોને પણ ગરબા પંડાલોમાં તૈનાત કરવામાં આવ્‍યા છે અને તેઓ ગરબા પતે ત્‍યાં સુધી પંડાલોમાં જ રહે છે. વિહિપ ધર્મ પ્રસાર કાર્યકરોના કહેવા પ્રમાણે બિન-હિંદુઓ પોતાની ધાર્મિક માન્‍યતામાં હિંદુ રિવાજોને નથી માનતા, તો તેમણે ગરબા પંડાલોમાં પણ ન આવવું જોઈએ.

 

(10:21 am IST)