Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

૨૪ કલાકમાં ૧૮,૧૩૨ નવા કેસઃ ૧૯૩ દર્દીઓના મોત

૭ મહિનામાં પહેલીવાર કેસ ૧૮૦૦૦ : કેરળમાં સ્‍થિતિ બેકાબૂઃ એક જ દિવસમાં ૧૦ હજારથી વધુ કેસ નોંધાયા અને ૮૫ લોકોનાં મોત

નવી દિલ્‍હી, તા.૧૧: ભારતમાં હાલ એક દિવસમાં ૨૦ હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. પણ સૌથી વધુ સંક્રમિત રાજય કેરળ છે. અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન પણ સંક્રમણની સ્‍થિતિ કાબૂમાં છે. રાજયમાં એક દિવસમાં ૧૮ નવા કેસ નોંધાયા છે જયારે ૧૭ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપી છે.
કેન્‍દ્રીય આરોગ્‍ય વિભાગે સોમવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૧૩૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૧૯૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૩,૩૯,૭૧,૬૦૭ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૯૫,૧૯,૮૪,૩૭૩ કોરોના વેક્‍સીન ના ડોઝ આપવામાં આવ્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૫૭,૬૭૯ કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવ્‍યા છે.
મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૩૨ લાખ ૯૩ હજાર ૪૭૮ લોકો સાજા પણ થઇ ચૂક્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧,૫૬૩ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૨૭,૩૪૭ એક્‍ટિવ કેસ છે. અત્‍યાર સુધીમાં કુલ ૪,૫૦,૭૮૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૦ ઓક્‍ટોબર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૮,૩૬,૩૧,૪૯૦ કોરોના સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. રવિવારના ૨૪ કલાકમાં ૧૦,૩૫,૭૯૭ સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો નવા ૧૮ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૭ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્‍યાર સુધીમાં કુલ ૮,૧૫,૮૭૨ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકાએ પહોંચ્‍યો છે. રાજયમાં કોરોના સંક્રમણથી રવિવારે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮,૫૮,૦૨૯ લોકોનું રસીકરણ કરવામાં આવ્‍યું છે.

 

(10:50 am IST)