Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ભારત -ચીન વચ્ચે 13માં રાઉન્ડની સૈન્ય વાર્તામાં ડ્રેગનનું અક્ક્ડ વલણ : ભારત પર દોષારોપણ કર્યું

આઠ કલાક ચાલી બેઠક પણ ચીનના અડિયલ વલણથી નથી આવતો વિવાદનો ઉકેલ

નવી દિલ્હી :ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે રવિવારે બંને દેશો વચ્ચે 13મા રાઉન્ડની સૈન્ય વાર્તા થઈ. માલ્ડોમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને થયેલી સૈન્ય વાર્તા લગભગ 8 કલાક સુધી ચાલી, પરંતુ તેમાં કોઈ ઉકેલ નીકળી શક્યો નહીં.

ભારતીય સેનાએ આરોપ લગાવ્યો કે ચીનના અડિયલ વલણના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદનો ઉકેલ આવતો નથી. સેનાએ કહ્યું કે ચીને વિવાદ ઉકેલવા માટે ન તો કોઈ પહેલ કરી કે ન તો કોઈ પ્રસ્તાવ રજુ કર્યો. ભારતે  કહ્યું કે ચીન તરફથી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ને બદલવાની કોશિશ કરાઈ. જેના કારણે આ વિવાદ શરૂ થયો.

ભારતીય સેના  (Indian Army) ના પ્રવક્તાએ કહ્યું કે, ભારત-ચીન કોર કમાન્ડરોની બેઠકમાં ચર્ચા પૂર્વ લદાખમાં એલએસી સાથે બાકી મુદ્દાઓના સમાધાન પર કેન્દ્રિત હતી. ભારતીય પક્ષે એલએસી પર ચીની પક્ષ દ્વારા યથાસ્થિતિને બદલવા અને દ્વિપક્ષીય સમજૂતિઓના ભંગના એક તરફી પ્રયત્નો મુદ્દો ઉઠાવ્યો. આથી એ જરૂરી હતું કે ચીની પક્ષ બાકીના ક્ષેત્રોમાં યોગ્ય પગલાં ભરે, જેથી કરીને પશ્ચિમી ક્ષેત્રમાં એલએસી પર શાંતિ બહાલી થઈ શકે.

 

બેઠક દરમિયાન ભારતીય પક્ષે બાકીના ક્ષેત્ર વિવાદનો ઉકેલ લાવવા માટે રચનાત્મક સૂચનો આપ્યા પરંતુ ચીની પક્ષ સહમત નહતો અને કોઈ દૂરંદર્શી પ્રસ્તાવ પણ ન આપી શક્યો. આ પ્રકારે બેઠકમાં બાકી ક્ષેત્રોનું સમાધાન નીકળી શક્યું નહીં. જો કે બંને પક્ષ સંચાર જાળવી રાખવા માટે અને જમીન પર સ્થિરતા જાળવી રાખવા પર સહમત થયા. સેના પ્રવક્તાએ કહ્યું કે અમને આશા છે કે ચીની પક્ષ દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખશે અને બાકી મુ્દાઓના જલદી ઉકેલની દિશામાં કામ કરશે.

13માં રાઉન્ડની સૈન્ય વાર્તા બાદ ચીન ભારતની યોગ્ય માગણી ઉપર પણ ભડકી ગયું અને પોતાના સરકારી મીડિયા દ્વારા ભારત પર જ દોષારોપણ કરવા લાગ્યું. ગ્લોબલ ટાઈમ્સે પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના હવાલે કહ્યું કે ભારત અયોગ્ય માગણીઓ દ્વારા વાતચીતમાં વિધ્નો ઊભા કરી રહ્યું છે.

અત્રે જણાવવાનું કે પેંગોંગ લેક વિસ્તારમાં હિંસક ઘર્ષણ બાદ પૂર્વ લદાખમાં ગત વર્ષ 5 મેના રોજ ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે ગતિરોધ શરૂ થઈ ગયો હતો. બંને પક્ષોએ ધીરે ધીરે હજારો સૈનિકો સાથે ભારે હથિયારો સહિત પોતની તૈનાતી વધારી દીધી. સૈન્ય અને રાજનયિક વાર્તાની એક સિરીઝના પરિણામ સ્વરૂપે બંને પક્ષોએ હાલમાં જ ગોગરામાં ડિસએન્ગેજમેન્ટ પ્રોસેસ પૂરી કરી. ફેબ્રુઆરીમાં બંને પક્ષોએ ડિસએન્ગેજમેન્ટ પર એક સમજૂતિ મુજબ પેંગોંગ લેકના ઉત્તરી અને દક્ષિણી કિનારેથી સૈનિકો અને હથિયારોની વાપસી પૂરી કરી. હાલમાં સંવેદનશીલ ક્ષેત્રમાં LAC પર બંને પક્ષોના લગભગ 50થી 60 હજાર સૈનિકો છે. 

(12:08 pm IST)