Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ઘરોનું વેચાણ બેગણું અને ઇલેકટ્રીક વાહનોનું વેચાણ ત્રણગણું વધ્યું

તહેવારોમાં રીયલ એસ્ટેટ અને ઇવી સેગમેન્ટમાં વધુ તેજી આવવાની આશા

નવી દિલ્હી, તા., ૧૧: બેંકો દ્વારા હોમલોનના વ્યાજદરોમાં આપવામાં આવેલી છુટ અને રીયલ એસ્ટેટ ડેવલોપર્સ દ્વારા આપવામાં આવી રહેલી ઓફર્સના કારણે દિવાળી પહેલા રીયલ એસ્ટેટ સેકટરમાં બૂમના સંકેત મળી રહયા છે. સપ્ટેમ્બર સુધીના ત્રીમાસીક આંકડા મુજબ કોરોના મહામારી પહેલાના વેચાણના આંકડા તે સપાટીથી આગળ વધી ચુકયા છે. જુદા-જુદા રીપોર્ટ મુજબ સપ્ટેમ્બરના ત્રીમાસીક  આંકડા દર્શાવે છે કે ઘરોના વેચાણમાં ૧૦૦ ટકાનો ઉછાળો આવ્યો છે.

એનારોકના રીપોર્ટ મુજબ દેશના ૭ અગ્રણી શહેરોમાં ઘરોનું વેચાણ ગયા વર્ષની સરખામણીએ ૧૧૩ ટકા જેટલુ વધ્યું છે. જયારે જેએલએલ એશીયાના રીપોર્ટ મુજબ ટોપ-૭ પ્રોપર્ટી માર્કેટમાં ૧ર૪ ટકાની તેજી નોંધાઇ છે. નાઇટ ફેન્કની રીપોર્ટ મુજબ દેશના ૮ મોટા શહેરોમાં ઘરોનું વેચાણ ૯ર ટકા વધ્યું છે.

આવી જ રીતે ઇલેકટ્રીક વાહનોના વેચાણમાં પણ ૩ ગણો વધારો થયો છે. સેમી કંડકટર ચીફની અછત છતા ઇવી સેગમેન્ટમાં ૧.૧૮ લાખ યુનીટનું વેચાણ નોંધાયું છે.

બેંગ્લોર, મુંબઇ અને દિલ્હી એનસીઆરમાં એફોર્ડેબલ અને મધ્યમ રેન્જના ઘરોના પ્રોજેકટમાં ર૧ ટકા વધારો નોંધાયો છે.બેંકો તરફથી હોમલોનના વ્યાજદરો છેલ્લા ૧૬ વર્ષના રેકોર્ડબ્રેક નીચલા સ્તરે પહોંચ્યા છે. અર્થ વ્યવસ્થામાં સુધાર, રોજગારમાં વધારો અને એફોર્ડેબલ પ્રોપર્ટી પ્રાઇસમાં ઘરોની માંગણી વધવાના કારણે રીયલ એસ્ટેટ સેકટરમાં તેજી આવી છે. મહામારી દરમિયાન લોકોની વધુ બચત અને શેરબજારમાં રેકોર્ડબ્રેક વેલ્થક્રીએશનથી રીયલ એસ્ટેટને બુસ્ટ મળ્યું છે. કેટલાય રાજયોમાં સ્ટોપ ડયુટીમાં ઘટાડાથી પણ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી આવી છે.

(12:57 pm IST)