Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મુંબઈમાં બેસ્ટની બસો પર પથ્થરમારો, બસ સેવા બંધ

લખીમપુર કાંડના વિરોધમાં મહારાષ્ટ્રમાં બંધનું એલાન : ધારાવી, માનખુર્દ, શિવાજી નગર, ચારકોપ, ઓશિવારા, દેવનાર અને ઈનઓર્બિટ મોલ પાસે બસો પર હુમલા

મુંબઈ,  તા.૧૧ : લખીમપુર કાંડના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્યમાં બંધનું એલાન કરેલું છે. ખૂબ જ શાંતિપૂર્ણ રીતે બંધનું પાલન કરાવવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ આ બધા વચ્ચે તોડફોડની કેટલીક ઘટનાઓ પણ સામે આવી છે. મુંબઈમાં બસો પર પથ્થરમારા બાદ બેસ્ટ બસ સર્વિસ બંધ થઈ ગઈ છે.

હાલ મુંબઈમાં બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) બંધ કરી દેવામાં આવ્યું છે. કેટલીક જગ્યાઓએ તેની બસો પર પથ્થરમારાની ઘટના બની હતી. જાણવા મળ્યા મુજબ બેસ્ટની ૯ બસો જેમાંથી એક બસ લીઝ પર લેવામાં આવેલી તેને નુકસાન પહોંચ્યું છે. ધારાવી, માનખુર્દ, શિવાજી નગર, ચારકોપ, ઓશિવારા, દેવનાર અને ઈનઓર્બિટ મોલ પાસે બસો પર હુમલાની આ ઘટનાઓ બની હતી.

બેસ્ટ બસોના પ્રશાસને પોલીસ સુરક્ષાની માગણી કરી છે અને સ્થિતિનો તકાજો મેળવ્યા બાદ જ બસોને ડેપોમાંથી બહાર કાઢવામાં આવશે. બસો પર કરવામાં આવી રહેલા હુમલાને લઈ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, 'મહાવિકાસ અઘાડી દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી હતી. અમારી માગણી અને અવાજને જનતાનું સમર્થન મળ્યું છે. અનેક જગ્યાએ આ બંધ શાંતિપૂર્ણ જોવા મળ્યું. કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી જે યોગ્ય નથી. લોકો આ પ્રકારની હરકતો ન કરે.'

સવારથી જ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં બંધની અસર દેખાવાનું ચાલુ થઈ ગયું હતું. દુકાનો અને કોમર્શિયલ માર્કેટ બંધ રાખવામાં આવ્યા છે. જરૂરિયાતની ચીજ-વસ્તુઓ વેચતી દુકાનોને પણ બંધ કરાવવામાં આવી છે.

વેપારીઓના કહેવા પ્રમાણે બંધના સમર્થનમાં તેઓ અડધો દિવસ દુકાનો બંધ રાખશે. સાંજે ૪:૦૦ વાગ્યા બાદ દુકાનો ખુલી જશે. પુણેની શાકભાજી મંડી પણ બંધના સમર્થનમાં રહી. પુણે એપીએમસીના એડમિનિસ્ટ્રેટરના કહેવા પ્રમાણે ત્યાં શાકભાજી અને ફળની દરરોજ ૮૦૦-૯૦૦ ગાડીઓ આવે છે પરંતુ ગઈકાલે ૨૦૦ વાહનો જ આવેલા અને આજે મંડી બંધ રહેશે.

(7:19 pm IST)