Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આઈઆઈટી-ખડગપુરમાં ૧૦ વર્ષમાં ૧૦ વિદ્યાર્થીઓની આત્મહત્યાઃ ડ્રોપ આઉટ રેશીયો પણ વધ્યો

આરટીઆઈમાં મોટો ખુલાસો

કોલકતાઃ. દેશના શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાનમાં સામેલ આઈઆઈટી ખડગપુર અને બીએચયુમાં વિદ્યાર્થીઓ અધવચ્ચે જ ભણવાનું છોડી દે છે અને આત્મહત્યા જેવો રસ્તો પણ અપનાવતા હોવાનો ખુલાસો એક આરટીઆઈ દ્વારા થતા ખળભળાટ મચી ગયો છે.

છેલ્લા ૧૦ વર્ષમાં આઈઆઈટી ખડગપુરમાં ૧૦ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જ્યારે બીએચયુમાં આ અવધી દરમિયાન ૧ વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. જ્યારે આ સમયગાળામાં ખડગપુરમાંથી ૨૩૫૧ અને બીએચયુમાંથી ૩૩૪ વિદ્યાર્થીઓ ડ્રોપ-આઉટ થયેલા.

આઈઆઈટી ખડગપુરમાં ૨૦૧૭માં ૪ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરેલ. ૨૦૧૨-૧૩, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૯માં એક પણ આપઘાતનો મામલો સામે નથી આવ્યો. જ્યારે ૨૦૧૧ અને ૨૦૧૪માં બે - બે અને ૨૦૧૮-૨૦૨૦માં ૧ - ૧ મામલો સામે આવેલ. આઈઆઈટી બીએચયુમાં ૧૦ વર્ષો દરમિયાન સ્નાતક સ્તરીય પાઠયક્રમોમાં ૨૩, પીજીમાં ૨૪૫ અને પીએચડી કે શોધકાર્ય કરતા ૬૬ વિદ્યાર્થીઓએ અધવચ્ચે જ ભણવાનુ છોડી દીધેલ.

બીએચયુમાં કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના ભણતર ઉપર જોર રહ્યુ છે. આઈઆઈટીમાં ૨૦૧૯ અને ૨૦૨૦માં સૌથી ઓછા વિદ્યાર્થીઓએ ભણવાનુ છોડેલ. સત્ર ૨૦૧૯-૨૦માં ૧૨ અને ૨૦૧૮-૧૯માં ૫ વિદ્યાર્થીઓએ ભણવતર છોડયુ હતુ. ૨૦૧૮-૧૯ના સત્રના આ બધા પાંચ વિદ્યાર્થી પણ પીજી કોર્ષના રહેલ.

(3:13 pm IST)