Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દિલ્હીના પ્રવાસેઃ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ સાથે કરી મુલાકાતઃ ગરવી ગુજરાત ભવન ખાતે રાજ્યપાલશ્રીઍ ડેન્માર્કના પ્રધાનમંત્રી સુશ્રી મેટ્ટે ફ્રેડરિકસન સાથે પણ શુભેચ્છાઓની આપ-લે કરીઃ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાણી તેમજ કિરણ રિજિજુઍ પુષ્પગુચ્છ અર્પણ કરી રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે દિલ્હીના પ્રવાસે હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ નવી દિલ્હી સ્થિત ગરવી ગુજરાત ભવન ખાતે પધારેલા ડેન્માર્કના પ્રધાનમંત્રી સુશ્રી મેટ્ટે ફ્રેડરિકસન સાથે પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નવી દિલ્હી ખાતે કેન્દ્રિય પશુપાલન મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ કાયદો અને ન્યાય વિભાગના કેન્દ્રિય મંત્રીશ્રી કિરણ રિજિજુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું.  
રાજ્યપાલશ્રીએ ડેન્માર્કના પ્રધાનમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું અને સ્મૃત્તિ ભેટ પણ આપી હતી. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ડેન્માર્કના પ્રધાનમંત્રી સુ.શ્રી મેટ્ટે ફ્રેડરિકસન સમક્ષ રાસાયણિક કૃષિના વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિનાં મોડેલ વિશે માહિતી પ્રસ્તુત કરી ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિની સફળતા અને પ્રાકૃતિક કૃષિ જન આંદોલન વિશે માહિતગાર કર્યા હતા. ડેન્માર્કના પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસ અને રાજ્યની સાંસ્કૃતિક વિવિધતાથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.

 

(5:47 pm IST)