Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

સલિમ-સુલેમાન અને ઓસમાણ મીરનું સુફી ગીત 'હાજી પીર' રિલીઝઃ ૮૪ લાખથી વધુ વ્યુઝ મળ્યા

'ભૂમિ-૨૦૨૦' આલ્બમ હેઠળ અગાઉ ચાર ગીતો રિલીઝ થઇ ગયા છેઃ પાંચમુ ગીત ચાહકોને કરી રહ્યું છે રસતરબોળ :રાજ પંડિતનો પણ સહયોગઃ હિન્દી શબ્દોની સાથે અંગ્રેજી શબ્દોનો પણ ગીતમાં ઉપયોગઃ ગુજરાતનું ગોૈરવ એવા લોકગાયક-બોલીવૂડના પ્લેબેક સિંગર-કમ્પોઝર ઓસમાણ મીરની સંગીત ક્ષેત્રે ઉંચી ઉડાનમાં વધુ એક યશકલગી

રાજકોટ તા. ૧૨: 'દૂઆ મેરી પુરી કરા દે મેરે હાજીપીર મોલિયા...સિફારીશ તું મેરી લગા દે, મેરે હાજીપીર મોલિયા...હંવા કે પુકારીયા, મુઝા હાજીપીર ઓલિયા'...આ સુફી ગીતે સંગીત ચાહકોમાં વાહ-વાહ મેળવી લીધી છે. બોલીવૂડના ખુબ જ જાણીતા કમ્પોઝર-સીંગર સલિમ-સુલેમાનના ચર્ચીત આલ્બમ 'ભૂમિ-૨૦૨૦'નું નવું ગીત 'હાજી પીર મોલિયા' રિલીઝ થઇ ગયું છે. હૃદયસ્પર્શી અને કર્ણપ્રિય એવા આ સુફી ગીતને સલિમ મર્ચન્ટ, ઓસમાણ મીર અને રાજ પંડિતે પોતાનો શ્વર આપ્યો છે. આ ભાવપુર્ણ ગીત સંગીત ચાહકોને ખુબ જ પસંદ પડ્યું છે. સલિમ-સુલેમાન નવા આલ્બમ સાથે ભારતીય સંગીતને એવા ફોર્મેટ પર લાવ્યા છે, જે પહેલા કદી લાવ્યા નથી. 'હાજીપીર મોલિયા...હાજીપીર ઓલિયા' ગીતની ખાસીયત એ છે કે સલિમ મર્ચન્ટ અને રાજ સાથે ગુજરાતનું ગોૈરવ એવા ઓસમાણ મીરનો ગાયકીનો અંદાજ અદ્દભુત રીતે ખીલી ઉઠ્યો છે. ગીતને રિલીઝ થતાના થોડા જ દિવસોમાં અધધધ ૮૪ લાખથી વધુ વ્યુઅર્સ મળી ચુકયા છે.

'ભૂમિ-૨૦૨૦' આલ્બમના અત્યાર સુધીના પાંચ ગીતો રિલીઝ થઇ ગયા છે. જેમાં પહેલુ ગીત સાંવલ, બીજુ મુરલિયા, ત્રીજુ હક અલી અને ચોથુ જિંદા દિલી હતું. હવે પાંચમું ગીત 'હાજી પીર' આવ્યું છે. કુલ સાત ગીતો આ આલ્બમમાં છે. જેને અરિજિતસિંઘ, શ્રેયા ઘોષાલ, પદ્મશ્રી વિશ્વ મોહન ભટ્ટ, સુખવિંદરસિંઘ, સલિમ મર્ચન્ટ અને ઓસમાણ મીરે ગાયા છે.

'હાજી પીર' ગીતના હિન્દીના શબ્દો દારબ ફારૂકી અને અંગ્રેજી શબ્દો ધીરેન ગર્ગએ લખ્યા છે. જ્યારે ગીતનું કમ્પોઝીશન સલિમ-સુલેમાન અને ઓસમાણ મીરે કર્યુ છે. આ ગીત એક પ્રાર્થના, ઉપાસનાની જેમ સંગીતના ચાહકોને બાંધી રાખે છે.

નોંધનીય છે કે સલિમ-સુલેમાન બોલીવૂડમાં ૧૯૯૩થી ગાયક-સંગીતકાર તરીકે કાર્યરત છે. સેંકડો ગીતો માટે તેમણે શ્વર આપ્યો છે અને કમ્પોઝર તરીકે પણ કામ કર્યુ છે. તેમની સાથે આપણા લોકલાડીલા ગુજરાતી ગાયક ઓસમાણ મીર જોડાયા છે. તેમની ગાયકીના વખાણ અને લખાણની જરૂર નથી. કચ્છમાં જન્મેલા ઓસમાણ મીર ગુજરાતી લોકસાહિત્યને ભજનો, સંતવાણી થકી ભરપુર સંગીતનો રસથાળ આપી ચુકયા છે. બોલીવૂડમાં રામલીલા ફિલ્મથી તેમણે ગાયકીની શરૂઆત કરી હતી. સંગીતનું જ્ઞાન તેમને તેમના પિતા પાસેથી મળ્યું છે. ભજનો, ગઝલો, કલાસીક સોંગ, ગુજરાતી લોકગીતો થકી ચાહકોમાં જાણીતા ઓસમાણ મીર પોતાના આલ્બમ પણ બહાર પાડી ચુકયા છે.

સલિમ સુલમાન સાથેનું 'હાજીપીર' ગીત સંપુર્ણ સાંભળવા માટે આપ અહિ આપેલી લિંકનો ઉપયોગ કરી શકો છો.

(12:46 pm IST)