Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો અને ૧૦ લાખ ગુમાવ્યા

આઈઈની રિટર્ન ટિકિટના દિવસ વધારવા ભારે પડ્યા : સાયબર ઠગ્સે ફરિયાદીને એક લિંક મોકલી અને ૧૨ વખત એકાઉન્ટમાંથી લગભગ ૧૦ લાખ ઉપાડી લીધા

નોઈડા, તા.૧૧ : નોઈડાના સુનિલે અંડમાનથી રિટર્ન એર ટિકિટની તારીખ બે દિવસ વધારવા માટે એર ઈન્ડિયાનો કસ્ટમર કેર નંબર ઓનલાઈન સર્ચ કર્યો હતો. જ્યારે તેણે આ નંબર પર કોલ કર્યો ત્યારે સાયબર ઠગ્સે તેને એક લિંક મોકલી અને ૧૨ વખત એકાઉન્ટમાંથી લગભગ ૧૦ લાખ રૂપિયા ઉપાડી લીધા. બાદલપુર પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. બેંક અધિકારીઓને ફરિયાદ કરતાં તેને લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા પાછા મળી ગયા.

બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કચૈડા વારસાબાદના રહેવાસી સુશીલ કુમાર નગરે જણાવ્યું કે તેણે નવા વર્ષમાં અંડમાન જવા માટે એર ઈન્ડિયાની ટિકિટ બુક કરાવી હતી. રિટર્ન ટિકિટની તારીખ બે દિવસ લંબાવવા માટે તેણે ઓનલાઈન નંબર સર્ચ કરીને એર ઈન્ડિયાના કસ્ટમર કેરને ફોન કર્યો હતો. કોલ રિસીવ કરનાર વ્યક્તિએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ૨૨૫ રૂપિયા માંગ્યા હતા.

આ માટે આરોપીએ લિંક મોકલી અને ઓટીપીજણાવવાનું કહ્યું. સુશીલ નાગરે વિશ્વાસપૂર્વક ઓટીપીકહ્યું જો કે, તેણે ઓટીપીજણાવતા જ તેને શંકા ગઈ અને તેણે બેંક અધિકારીઓને ફોનકરીને તેની જાણ કરી. ત્યાં સુધી ૧૨ વખત તેના ખાતામાંથી લગભગ ૧૦ લાખ રૂપિયા ઉપડી ગયા હતા. સુશીલે કહ્યું કે ફરિયાદ બાદ તેના ખાતામાં સાડા ત્રણ લાખ રૂપિયા પરત આવી ગયા છે. આ સાથે આરોપીઓના કયા ખાતામાં પૈસા ગયા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તેને આશા છે કે બાકીના પૈસા પણ જલ્દી પરત મળી જશે.

(12:00 am IST)