Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી કોરોના પોઝિટિવ

રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પોતે આઈસોલેટ થઈ ગયા

નવી દિલ્હી,તા. ૧૨: કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરી કોરોના સંક્રમિત થઈ ગયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. ૬૪ વર્ષના ભાજપના નેતાએ મંગળવારે ટ્વિટર પર આ જાણકારી આપી હતી. ગડકરીમાં હાલ કોરોનાના હળવા લક્ષણો છે.

ગડકરીએ ટ્વિટર પર લખ્યું કે, 'હું આજે હળવા લક્ષણો સાથે કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યો છું. બધા જરૂરી પ્રોટોકોલનું પાલન કરતા મેં પોતાને આઈસોલેટ કરી લીધો છે અને હું હોમ કવારન્ટાઈન છું. મારા સંપર્ક આવેલા લોકોને અનુરોધ કરું છું કે, પોતાને આઈસોલેટ કરી ટેસ્ટ કરાવે.'

બીજી તરફ સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. તે ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેઓ હોમ કવારન્ટાઈન છે.

ભારતના સ્વરસામ્રાજ્ઞી કહેવાતા ગાયિકા લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પણ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. તે પછી તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે. હાલ તેમની તબીયત સારી છે, પરંતુ તકેદારીના ભાગરુપે તેમને આઈસીયુમાં એડમિટ કરાયા છે. બીજી તરફ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમનો પરિવાર પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયો છે.

(10:09 am IST)