Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કોઇ મહિલા જો પુત્રવધૂ ઉપર ક્રુરતા આચરે તો તે વધુ ગંભીર અપરાધ : સુપ્રીમ કોર્ટ

૮૦ વર્ષની સાસુને ૩ મહિનાની જેલની સજા

નવી દિલ્હી તા. ૧૨ : સુપ્રીમ કોર્ટે મંગળવારે દહેજ માટે હેરાન કરાયેલ યુવતિની આત્મહત્યાના કેસની સુનાવણી કરતા એક સાસુને ગુનેગાર ઠેરવીને કહ્યું કે, એક મહિલા વિરૂધ્ધ ગુનો ત્યારે સંગીન બની જાય છે જ્યારે તો પોતાની પુત્રવધુ સાથે ક્રૂરતા આચરે છે. જસ્ટીસ એમ. આર. શાહ અને જસ્ટીસ બી. વી. નાગરત્નાની બેંચે કહ્યું કે જો એક મહિલા બીજી મહિલાનું રક્ષણ ના કરે તો બીજી મઞિલા જે પુત્રવધુ છે તે વધારે અસુરક્ષિત બની જશે.

સુપ્રીમ કોર્ટે એક મહિલા દ્વારા દાખલ કરાયેલ અરજી પર આ આદેશ સંભળાવ્યો હતો. એ મહિલાને મદ્રાસ હાઇકોર્ટે ઇન્ડીયન પીનલ કોડની કલબ ૪૯૮ એ હેઠળ દોષીત જાહેર કરી હતી. પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના જમાઇ, જમાઇની માતા, તેની પુત્રી અને સસરા તેની દિકરીને ઘરેણાં માટે પ્રતાડિત કરતા હતા. તેના કારણે જ તેની દિકરીએ સળગીને આત્મહત્યા કરી લીધી હતી.

નીચલી કોર્ટે સાબિતીઓને ધ્યાનમાં રાખીને સસરાને છોડી મુકયો હતો અને અન્ય આરોપીઓને દોષીત ઠેરવ્યા હતા. નીચલી કોર્ટે આરોપીઓને આઇપીસીની કલમ ૪૯૮ એ હેઠળ ગુના માટે એક વર્ષની જેલ અને એક હજાર રૂપિયાનો દંડ અને કલમ ૩૦૬ હેઠળ ત્રણ વર્ષની જેલ અને બે હજારનો દંડ ફટકાર્યો હતો. હાઇકોર્ટે નીચલી અદાલતના આદેશ સામેની અપિલને આંશિક રૂપે સ્વીકાર કર્યો હતો અને બધા આરોપીઓને આઇપીસીની કલમ ૩૦૬ હેઠળના ગુનામાંથી છોડી મુકયા હતા. સુપ્રીમ કોર્ટે આરોપી મહિલાની ઉંમર (૮૦)ને ધ્યાનમાં રાખીને સજાની મુદ્દત ઘટાડીને ૩ મહિનાની જેલની સજા કરી દીધી હતી.

(10:07 am IST)