Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ઓહોહો...ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૧૦૦૦ કરોડમાં પડશે

ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી મુકત અને ન્યાયી ઢબે યોજવા ગુજરાત સરકારને ખર્ચ કરવા પડશે રૂ. ૪૫૦ કરોડઃ રાજકીય પક્ષોનો ખર્ચ ગણીએ તો કુલ ખર્ચ થશે ૧૦૦૦ કરોડ રૂપિયા : ૨૦૧૭માં ૨૫૦ કરોડની જોગવાઈ હતી તે સામે રૂ. ૩૨૬ કરોડનો ખર્ચ થયો હતોઃ આ વખતે મોંઘવારી વધી હોવાથી ચૂંટણી યોજવાનો ખર્ચ પણ આકાશે આંબશે

નવી દિલ્હી, તા. ૧૨ :. આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી યોજવા માટે ગુજરાત સરકાર રૂ. ૪૫૦ કરોડનો ખર્ચ કરે તેવી શકયતા છે. મુકત અને ન્યાયી ઢબે ચૂંટણી યોજવા માટે આ ખર્ચ કરવો જરૂરી બનશે. આ ખર્ચનો અંદાજ ચૂંટણી યોજતી એજન્સીઓએ આપ્યો છે જો કે તેમા રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા થતા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાછળ કુલ મળીને રૂ. ૧૦૦૦ કરોડથી વધુનો ખર્ચ થાય તેવી શકયતા છે. સામાન્ય રીતે જ્યારે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી યોજવાની હોય ત્યારે રાજ્યની ચૂંટણી કચેરી દ્વારા રાજ્ય સરકારને બજેટમાં જોગવાઈ કરવા જણાવવામાં આવે છે. બજેટમાં જે જોગવાઈ થાય તેના કરતા મોટાભાગે વધુ ખર્ચ થતો હોય છે.

૨૦૨૨માં એટલે કે આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રૂ. ૩૮૭ કરોડના ખર્ચની ૨૦૨૨-૨૩ના બજેટમાં જોગવાઈ કરવામાં આવે તેવી અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે તેવુ સૂત્રોએ જણાવ્યુ છે. ૨૦૧૭ની ચૂંટણીમાં બજેટમાં રૂ. ૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ વાસ્તવિક ખર્ચ રૂ. ૩૨૬ કરોડ થવા પામ્યો હતો તેવુ સૂત્રોએ ઉમેર્યુ છે.

સૂત્રોએ જણાવ્યુ છે કે આ વખતે રૂ. ૩૮૭ કરોડના પ્રાથમિક ખર્ચના અંદાજ સામે વાસ્તવિક ખર્ચ રૂ. ૪૫૦ કરોડ થાય તેવી પુરેપુરી શકયતા છે. સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, ચૂંટણી ખર્ચ દિવસેને દિવસે વધતો જાય છે કારણ કે અનેક બાબતો જેમ કે ઈંધણના ભાવ વધ્યા છે, વધારાના પોલીંગ સ્ટેશનો ઉભા થશે. એટલુ જ નહી ચૂંટણી યોજવા માટે અન્ય ખર્ચમાં પણ વધારો થશે જેમ કે કોરોના. તેઓએ ઉમેર્યુ હતુ કે ચૂંટણી સ્ટાફને પૈસા આપવા, વાહનો ભાડે કરવા, કોરોના ગાઈડલાઈન મુજબ ચૂંટણી કરવા વધુ ખર્ચ થશે. અમારા પ્રાથમિક અંદાજમાં કોવિડ-૧૯ પ્રોટોકોલનો બોજો જો કે ઉમેરવામાં આવ્યો નથી. જો અમારે કોવિડ પ્રોટોકોલ હેઠળ ચૂંટણી કરવાની આવશે તો વધુ મત કેન્દ્રો, વધુ સ્ટાફ અને અન્ય વ્યવસ્થાઓ કરવી પડશે જેનાથી ખર્ચ વધુ થશે. ફ્રેશ અંદાજ ચૂંટણી પહેલા જ આપવો શકય બનશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે ચૂંટણી પંચ દ્વારા ૨૦૧૨માં ૧૭૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે ૨૦૧૭મા આ ખર્ચ ૩૨૬ કરોડ થયો હતો અને હવે રૂ. ૪૫૦ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે.

જ્યાં સુધી રાજકીય પક્ષોને લાગેવળગે છે ત્યાં સુધી ૨૦૧૭માં ભાજપે ૧૧૧ કરોડ તો કોંગ્રેસે ૧૮.૪૭ કરોડનો ખર્ચ કર્યો હતો. ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર હવે ઉમેદવાર દીઠ ખર્ચ કરવાની મર્યાદા રૂ. ૨૮ લાખથી વધારીને રૂ. ૪૦ લાખ કરવામાં આવી છે. કોઈ રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર માટે ખર્ચ કરવામાં આવે તો તેની કોઈ લીમીટ નક્કી થઈ નથી.

(11:23 am IST)