Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે 4 સદસ્યવાળી કમિટી રચી :પૂર્વ ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા અધ્યક્ષતા કરશે

પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને ચંદીગઢના પોલીસ મહાનિર્દેશક, એનઆઈએના આઈજી, પંજાબના એડીજી (સુરક્ષા)નો પણ સમાવેશ

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં સુપ્રીમ કોર્ટે એક તપાસ સમિતિની રચના કરી છે. જેનું નેતૃત્વ પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા કરશે. કમિટી જોશે કે પીએમની સુરક્ષામાં શું થયું છે, તેના માટે કોણ જવાબદાર છે અને ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન બને તે માટે શું કરવું જોઈએ. આ નિર્ણય CJI NV રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આપ્યો છે. એકતરફી તપાસના આક્ષેપને દૂર કરવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. 

તેમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને ચંદીગઢના પોલીસ મહાનિર્દેશક, એનઆઈએના આઈજી, પંજાબના એડીજી (સુરક્ષા)નો પણ સમાવેશ થાય છે. અગાઉ સોમવારે, કોર્ટે કહ્યું હતું કે તે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરશે. આ મામલો 5 જાન્યુઆરીનો છે, જ્યારે વડાપ્રધાન પંજાબના પ્રવાસે હતા તેઓ વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે ફિરોઝપુર જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં ખેડૂતોના ધરણાંને કારણે રોડ બ્લોક થઈ ગયો હતો, જેના કારણે પીએમનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. 

(11:57 am IST)