Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

૬૦ વર્ષથી વધુ વયના કોઇ પણ વ્યકિત લઇ શકશે બુસ્ટર ડોઝ

સરકાર ટુંક સમયમાં હટાવશે ગંભીર બિમારીની શરત

નવી દિલ્હી, તા.૧૨: કેન્દ્ર સરકારે દેશમાં ૬૦ વર્ષ અથવા તેનાથી વધુ વયનાઓને કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાની પરવાનગી તો આપી દીધી છે પણ અત્યારે તે ફકત એવા લોકોને જ અપાય છે જેમને ગંભીર બિમારી છે અથવા  જેમને જીવનું જોખમ છે. જો કે હવે સમાચાર છે કે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં જ બુસ્ટર ડોઝ લેવા ઇચ્છતા સીનીયર સીટીઝનો માટે આ શરત ખતમ કરી શકે છે. એક ઓફીશ્યલ સુત્રએ જણાવ્યું કે આ શરત એટલા માટે રખાઇ હતી કે સૌથી વધારે જોખમવાળા લોકોને બુસ્ટર ડોઝની માંગ વધે તે પહેલા જ બુસ્ટર ડોઝ મળી જાય.

હાલમાં ૬૦ વષથી વધુ વયના એવા લોકોને ત્રીજો ડોઝ અપાઇ રહ્યો છે જે બિમાર છે અને તે ઉપરાંત ઓછામાં ઓછા ૯ મહિના પહેલા રસીના બંને ડોઝ લઇ ચૂકેલ ફ્રન્ટલાઇન અને હેલ્થ વર્કરોને પણ પ્રીકોશન ડોઝ અપાઇ રહ્યા છે. ૧૦ જાન્યુઆરીથી જ આ લોકોને બુસ્ટર ડોઝ મળવાના શરૂ થઇ ચૂકયા છે.

નામ ના જણાવવાની શરતે એક સુત્રએ કહ્યું કે રસીની અછતને ધ્યાનમાં રાખીને નેશનલ ટેકનીકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (એનટીજીએઆઇ)ના એકસપર્ટ સ્ટેન્ડીંગ ગ્રુપે ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે રસી અને બુસ્ટર ડોઝનું તબક્કાવાર રીતે વિસ્તરણ કરવાનુ સૂચન કર્યુ હતું.

જો કે સૂત્રએ એમ પણ કહ્યું કે સરકાર પાસે રસીના સપ્લાયની હવે કોઇ મુશ્કેલી નથી પણ તેમ છતાં આ નિર્ણય લેવાયો હતો કે ૬૦ અથવા તેનાથી વધુ વયના લોકોને તબક્કાવાર રીતે બુસ્ટર ડોઝ આપવામાં આવે. જો કે નિયમ અનુસાર, અત્યારે પણ ૬૦ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકોએ ત્રીજો ડોઝ લેવા માટે બિમારી અંગેનું કોઇ સર્ટીફીકેટ બતાવવાની જરૂર નથી.

ઉપરોકત સુત્રએ જણાવ્યું કે ૬૦ વર્ષ અથવા તેનાથી વધુ વયના ગ્રુપમાં ૧૩.૭ કરોડ લોકો સામેલ છે, આ કારણે સરકારે આ ગ્રુપને ગંભીર બીમારીઓ અને તંદુરસ્ત લોકોમાં વહેંચ્યુ છે. એટલે જ બુસ્ટર ડોઝની શરૂઆત જેમને સૌથી વધારે જોખમ હતું તેનાથી થઇ અને ધીમે ધીમે આ વયજૂથના દરેક માટે શરૂ કરાશે. તેમણે એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં ઘણી રસીઓને ઇમર્જન્સી વપરાશની મંજૂરી મળવાથી સપ્લાય હજુ પણ વધવાની આશા છે.

(12:42 pm IST)