Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ભારત સાથે ૧૦૦ વર્ષ સુધી દુશ્મની નથી ઇચ્છતુ પાકિસ્તાન

આખરે પાકિસ્તાનને 'બ્રહ્મજ્ઞાન' : નવી સુરક્ષા નીતિમાં ભારત સાથે શાંતિ સ્થાપિત કરવા માંગણી : નવી પોલીસીમાં કાશ્મીર જેવા પ્રશ્નોને અભેરાઇએ ચડાવી દેવાની બાબતનો ઉલ્લેખ : ભારત સાથે વેપાર સંબંધો પુનઃ સ્થાપિત કરવા તૈયારી

નવી દિલ્હી તા. ૧૨ : પાકિસ્તાને પોતાની નવી સુરક્ષા નીતિમાં કહ્યું છે કે તેઓ ભારતની સાથે કોઇપણ પ્રકારની દુશ્મની રાખવા માંગતા નથી. સુરક્ષા નીતિમાં કહ્યું છે કે પાકિસ્તાન પોતાના પાડોશી દેશોની સાથે શાંતિપૂર્ણ સંબંધ ઇચ્છે છે. આ રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં પાડોશી દેશોની સાથે શાંતિ અને આર્થિક કૂટનીતિ પાકિસ્તાનની વિદેશ નીતિના કેન્દ્રમાં હશે.

પાકિસ્તાનના મુખ્ય અખબાર એકસપ્રેસ ટ્રિબ્યુનના મતે એક અધિકારીએ નવી સુરક્ષા નીતિને લઇ પત્રકારોને બ્રીફ કર્યું. અધિકારીએ કહ્યું કે ૧૦૦ પાનાની સુરક્ષા નીતિમાં કહેવાયું છે કે લાંબા સમયથી ચાલતા આવતા કાશ્મીર વિવાદના અંતિમ સમાધાન વગર જ ભારતની સાથે વેપાર અને વાણિજિયક સંબંધો માટે પાકિસ્તાનની તરફથી રસ્તો ખૂલ્યો છે ચોક્કસ બંને પરમાણુ સંપન્ન પાડોશીઓની વચ્ચે વાતચીતમાં પ્રગતિ થાય.

અધિકારીએ કહ્યું કે અમે આવતા ૧૦૦ વર્ષ સુધી ભારતની સાથે દુશ્મની ઇચ્છતા નથી. નવી નીતિ પાડોશીઓની સાથે શાંતિ ઇચ્છે છે. જો વાતચીતમાં પ્રગતિ થાય છે તો ભારતની સાથે વેપાર અને વાણિજિયક સંબંધોને સામાન્ય કરવાની સંભાવના હશે જેમ કે પહેલા થયું હતું.

ઓગસ્ટ ૨૦૧૯મા ભારતની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને ખાસ રાજયનો દરજ્જો ખત્મ કરી દીધો હતો. પાકિસ્તાને ભારતના આ પગલાંની પ્રતિક્રિયામાં ડિપ્લોમેટ્સ સંબંધોને નબળા કરી દીધા હતા અને ભારતની સાથે દ્વિપક્ષીય વેપારને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદથી પાકિસ્તાન અને ભારતની વચ્ચે વાતચીત લગભગ ઠપ છે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશોના સંબંધો સુધરવાની કેટલીક આશાઓ હતી જયારે બંને દેશો LoC પર સીઝ ફાયરને ફરી સ્થાપિત કરવા માટે સહમત થયા હતા પરંતુ પ્રક્રિયા આગળ વધી શકી નહોતી.

ટ્રિબ્યુનના મતે પાકિસ્તાનની નવી રાષ્ટ્રીય સુરક્ષા નીતિ જિયો-સ્ટ્રેટેજિકથી લઇ જિયો-ઇકોનોમિકસ સુધી પાકિસ્તાનના દ્રષ્ટિકોણમાં ફેરફાર માંગે છે. ભારતની સાથે સંબંધોની શરૂઆતની વાત કરવી પણ એક આશા જગાડે છે.

પાકિસ્તાની અધિકારીએ કહ્યું કે આર્થિક સુરક્ષા નવી રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો કેન્દ્રીય વિષય હશે. આ જ રીતે આર્થિક કૂટનીતિ અને પાડોશીઓની સાથે શાંતિ દેશની વિદેશ નીતિનો કેન્દ્રીય વિષય હશે. સાથો સાથ પાકિસ્તાની અધિકારીએ એમ પણ કહ્યું કે જિયો-ઇકોનોમિકસનો મતલબ એ નથી કે અમે અમારી વ્યૂહાત્મક અને રાજકીય હિતોને નજરઅંદાજ કરીશું. અધિકારીએ ભારપૂર્વક કહ્યું કે ભારતની સાથે લાંબા સમયથી કાશ્મીર વિવાદને પાકિસ્તાન માટે એક 'મહત્વપૂર્ણ રાષ્ટ્રીય નીતિ'નો મુદ્દો માન્યો છે.

અધિકારીએ સ્પષ્ટતા કરી કે ભારતની હાલની નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની અંતર્ગત ભારતની સાથે તાલમેલની કોઇ સંભાવના નથી. પ્રધાનમંત્રી ઇમરાન ખાન શુક્રવારના રોજ નવી સુરક્ષા નીતિનો ઔપચારિક રીતે શુભારંભ કરશે. અધિકારીના મતે આ પહેલી વખત સંહિતાબદ્ઘ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ હશે જે આંતરિક સુરક્ષાની સાથો સાથ વિદેશ નીતિ બંનેને કવર કરશે. રાષ્ટ્રીય સુરક્ષા નીતિનો માત્ર એક હિસ્સો સાર્વજનિક કરાશે. બાકી દુનિયામાં આવી નીતિઓને મોટાભાગે ગુપ્ત રખાય છે.

અધિકારીએ કહ્યું કે જો કે પાકિસ્તાનની પાસે રક્ષા, વિદેશ અને આંતરિક નીતિઓ છે, નવી નીતિ ભવિષ્ય માટે દિશા આપનાર 'અંબ્રેલા ડોકયુમેન્ટ' તરીકે કામ કરશે. આ નીતિને તૈયાર કરવામાં સાત વર્ષનો સમય લાગે છે. તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજે ૨૦૧૪માં તેને શરૂ કરી હતી.

અધિકારીએ કહ્યું કે નવી રાષ્ટ્રીય સુરક્ષા નીતિને બનાવામાં તમામ સંઘીય, પ્રાંતીય સંસ્થાઓની સાથોસાથ સૈન્ય અને અન્ય વિભાગોમાંથી ઇનપુટ લેવામાં આવ્યા છે.

(3:00 pm IST)