Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ઓમિક્રોન બધાને થશેઃ રોકવો અસંભવઃ બુસ્‍ટર પણ રોકી નહી શકે

આઈસીએમઆરના નિષ્‍ણાંતનો ચોંકાવનારો દાવોઃ ઓમિક્રોન વેરીયન્‍ટ ડેલ્‍ટા કરતા ઘણો હળવો છેઃ ઓછા દર્દીઓ હોસ્‍પીટલમાં દાખલ થાય છેઃ તેને નિપટી શકાય તેમ છે : હવે કોરોના ખતરનાક નથીઃ આ સંક્રમણથી શરીરમાં આવતી ઈમ્‍યુનીટી જીવનભર રહેશેઃ જ્‍યારે વેકસીન નહોતી આવી ત્‍યારે પણ ભારતની ૮૫ ટકા વસ્‍તી સંક્રમિત હતીઃ વેકસીનનો પહેલો ડોઝ જ બુસ્‍ટર ડોઝ હતો

નવી દિલ્‍હી, તા. ૧૨ : કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય' છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે. સરકારના એક ટોચના નિષ્‍ણાંતે આ બાબત જણાવી છે. તેમણે ભારપૂર્વક કહ્યુ છે કે કોવિડ હવે એક ભયાનક બિમારી નથી. નવા સ્‍ટ્રેનની અસર ઘણી ઓછી છે અને ઘણા ઓછા લોકોને જ હોસ્‍પીટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. આઈસીએમઆરના નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એપીડેમીયોલોજીમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા ડો. જયપ્રકાશ મુલીયિલએ કહ્યુ છે કે ઓમિક્રોન એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ છીએ. આપણા લોકોમાંથી ઘણાને એ પણ ખબર નહી પડે કે આપણે તેનાથી સંક્રમિત થઈ ગયા છીએ. સંભવતઃ ૮૦ ટકાથી વધુને એ પણ ખબર નહી પડે કે એ અમને ક્‍યારે થયો હતો ? તેમણે કહ્યુ છે કે કોરોનાના ઓમિક્રોન વેરીયન્‍ટને રોકવો અસંભવ છે અને આખરે તે સમગ્ર દુનિયાને સંક્રમિત કરીને જ રહેશે. ડો. મુલિયિલે એમ પણ જણાવ્‍યુ છે કે ઓમિક્રોન વેરીયન્‍ટને ફેલાતો રોકવા માટે વેકસીનનો બુસ્‍ટર ડોઝ પણ કામ આવે તેમ નથી એટલે કે તે રોકી શકે તેમ નથી.
આઈસીએમઆરના નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એપીડેમિયોલોજીના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા આ ડોકટરે એનડીટીવી સાથેની વાતચીતમાં એવુ કહ્યુ હતુ કે, હવે કોરોના ખતરનાક નથી કારણ કે તેનો નવો સ્‍ટ્રેન નબળો છે અને હોસ્‍પીટલમાં દાખલ થવાની પણ જરૂર નથી. તેમણે કહ્યુ છે કે હવે આ એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ તેમ છીએ. તે ડેલ્‍ટાની સરખામણીમાં ઘણો માઈલ્‍ડ(હળવો) છે અને તેને રોકવાનું વ્‍યવહારીક રીતે અસંભવ છે.
ડો. જયપ્રકાશે કહ્યુ હતુ કે આ સંક્રમણથી શરીરમાં આવતી ઈમ્‍યુનીટી જીવનભર રહેશે અને આ જ કારણ છે બાકી દેશોની જેમ ભારત ખરાબ રીતે અસરગ્રસ્‍ત નથી બન્‍યુ. તેમણે કહ્યુ હતુ કે જ્‍યારે વેકસીન આવી પણ નહોતી ત્‍યારે ભારતની ૮૫ ટકા વસ્‍તી સંક્રમિત થઈ ચૂકી હતી એટલે વેકસીનનો પહેલો ડોઝ જ બુસ્‍ટર ડોઝ હતો.
આકરા લોકડાઉન બાબતે તેમણે કહ્યુ હતુ કે આપણે લાંબા સમય સુધી ઘરમાં બંધ ન રહી શકીએ.

 

(3:13 pm IST)