Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

અમેરિકનોને પણ ખાવા મળશે ભારતીય કેરી! નિકાસને મળી મંજૂરી

કેરી ઉગાડતા ભારતીય ખેડૂતો માટે આ ખુશીના સમાચાર

નવી દિલ્હી, તા.૧૨: કેન્દ્ર સરકારે આગામી સિઝનમાં યુએસમાં ભારતીય કેરીની નિકાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA) પાસેથી મંજૂરી મેળવી છે.

હવે માર્ચથી ભારત આલ્ફોન્સો જાતની કેરીની નિકાસ કરી શકશે. આલ્ફોન્સો  ભારતની સૌથી મોંદ્યી કેરી છે. તેને કેરીનો રાજા કહેવામાં આવે છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમિયાન ભારતે અમેરિકામાં રેકોર્ડ ત્રણ હજાર મેટ્રિક ટન કેરીની નિકાસ કરી હતી. આ દર્શાવે છે કે ત્યાંના લોકો ભારતીય કેરીના મોટા ચાહક છે. કૃષિ નિષ્ણાતોનું અનુમાન છે કે કેરીની નિકાસ ૨૦૨૨માં નવો રેકોર્ડ બનાવશે.

અમેરિકાના લોકો હવે ભારતમાંથી સારી ગુણવત્તાની કેરી મેળવી શકશે. અમેરિકાએ ૨૦૨૦થી જ ભારતીય કેરીની નિકાસ પર પ્રતિબંધ મૂકયો હતો. કારણ કે કોવિડ-૧૯ રોગચાળાને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરી પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે યુએસડીએના નિરીક્ષકો ભારતની મુલાકાત લઈ શકયા ન હતા. તેથી તેઓ રેડિયેશન સુવિધાનું નિરીક્ષણ કરવામાં સક્ષમ ન હતા.

કરાર હેઠળ, બંને દેશો ભારતીય કેરી અને દાડમની નિકાસ અને યુએસથી ચેરીની આયાત પર સંયુકત પ્રોટોકોલનું પાલન કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સંશોધિત એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બંને દેશો વચ્ચે સંમત થયા મુજબ ભારતમાં રેડિયેશન ટ્રીટમેન્ટની પૂર્વ મંજૂરીની દેખરેખના તબક્કાવાર ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.

મંત્રાલયે કહ્યું કે પરસ્પર સમજૂતી હેઠળ ભારત માર્ચથી અમેરિકામાં અલ્ફોન્સોની વિવિધતાની નિકાસ શરૂ કરશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતે યુએસમાં $૨૭.૫ મિલિય ડોલરની કિંમતની ૮૦૦ ટન કેરીની નિકાસ કરી હતી. તેવી જ રીતે, વર્ષ ૨૦૧૮-૧૯માં $૩૬.૩ લાખ ડોલર કિંમતની ૯૫૧ ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૧૯-૨૦માં $૪૩.૫ લાખની કિંમતની ૧,૦૯૫ ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી.

(3:23 pm IST)