Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

જમ્યા બાદ ટૂથપિકનો ઉપયોગ કરવાથી દાંતને નુકશાન થઇ શકે છે

ટૂથપિકથી દાંત સાફ કરવાથી દાંત વચ્ચે જગ્યા થઇ શકે છે, દાંત વચ્ચે જગ્યા થઇ જવાથી દાંત ખરાબ લાગી શકે છે ૅં ટૂથપિકથી અનેક પ્રકારની મુશ્કેલીઓ થઇ શકે છે

નવી દિલ્હી,તા.૧૨: અનેક લોકોને કંઈ પણ જમ્યા બાદ ટૂથપિક અથવા માચિસની સળીથી દાંત સાફ કરવાની આદત હોય છે. અનેક મહિલાઓ અને પુરુષોને આ પ્રકારે દાંતમાં કંઈ ભરાયેલું હોય તો તે કાઢવાની આદત હોય છે.
આ નાનકડી આદતના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે છે. ટૂથપિક અથવા માચિસની સળીથી દાંત કોતરવાથી દાંત અને પેઢાની અનેક પ્રકારની તકલીફ થાય છે. આ પ્રકારની આદતથી દાંત અને પેઢાની કયા પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે, તે અહીં જણાવવામાં આવ્યું છે.
ટૂથપિકથી દાંત સાફ કરવાથી દાંત વચ્ચે જગ્યા થઈ શકે છે. દાંત વચ્ચે જગ્યા થઈ જવાથી દાંત ખરાબ લાગી શકે છે અને તે જગ્યામાં જમવાનું ફસાઈ જવાથી સડો પણ થઈ શકે છે. વારંવાર ટૂથપિક અને માચિસની સળીથી દાંત સાફ સાફ કરતા કરતા અનેક લોકો તેને ચાવવા પણ લાગે છે. જેના કારણે ઈનેમલના પડને નુકસાન પણ થઈ શકે છે અને દાંત નબળા પડવા લાગે છે. વારંવાર ટૂથપિકનો ઉપયોગ કરવાથી દાંતના મૂળ નબળા પડી શકે છે. ઘણી વાર દાંત સાફ કરતા કરતા ટૂથપિક તૂટી જાય છે અને દાંતમાં ફસાઈ જાય છે. જેના કારણે ટિશ્યૂઝને નુકસાન પણ થઈ શકે છે.
ટૂથપિક અને માચિસની સળીથી દાંત સાફ કરવાથી પેઢાને ઈજા થઈ શકે છે અને લોહી પણ નીકળી શકે છે. જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. ટૂથપિક અને માચિસની સળીથી દાંત સાફ કરવાની આદત છોડી દેવી જોઈએ. તમને આ પ્રકારે દાંત સાફ કરવાની આદત હોય તો માચિસની સળીની જગ્યાએ તમે લીમડાની સળીનો ઉપયોગ કરી શકો છો.
લીમડામાં એન્ટીબેક્ટીરિયલ ગુણ હોવાના કારણે દાંતને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. ટૂથપિકથી દાંત સાફ કરવાની આદત છોડવા માટે ભોજન કર્યા બાદ કોગળા કરવાની આદત પાડવી જોઈએ. હુંફાળા પાણીમાં મીઠું નાંખીને તે પાણીથી કોગળા કરવા જોઈએ. ભોજન કર્યા બાદ બ્રશ કરવાની આદત હોવી જોઈએ. બ્રશ કરવાથી દાંતમાં ભોજનના કણો રહેતા નથી અને દાંત સાફ થઈ જાય છે.

 

(4:04 pm IST)