Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

કોલેજમાં હિજાબ પર બંધી, ભગવા શાલની મંજૂરી નહીં

બાલાગડી કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત : વાલીઓ અને પ્રબંધન વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય

નવી દિલ્હી, તા.૧૨ : કર્ણાટકના ચિકમંગલુર જિલ્લાની બાલાગડી ફર્સ્ટ ગ્રેડ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચેનો સંઘર્ષ એક બેઠક બાદ સમાપ્ત થઈ ગયો છે. આ કોલેજમાં વિદ્યાર્થીઓનું એક જૂથ હિજાબ પહેરીને આવનારી મુસ્લિમ સહપાઠીઓનો વિરોધ કરવા માટે ભગવા શાલ પહેરીને કોલેજ આવ્યું હતું. ત્યાર બાદ વિવાદ વધી ગયો હતો.  
મંગળવારે વાલીઓ અને પ્રબંધન વચ્ચે થયેલી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ નહીં પહેરે અને હિંદુ વિદ્યાર્થીઓને પણ ડ્રેસની સાથે ભગવા શાલના ઉપયોગની મંજૂરી નહીં મળે.
કથિત રીતે હિજાબ પહેરીને વર્ગમાં ભાગ લેનારી મુસ્લિમ યુવતીઓના વિરોધમાં વિદ્યાર્થીઓનું એક જૂથ ભગવો સ્કાર્ફ પહેરીને કોલેજ આવ્યું ત્યાર બાદ સરકારી ડિગ્રી કોલેજનું મેનેજમેન્ટ મુશ્કેલીમાં આવી ગયું હતું. વિવાદ થયા બાદ કોલેજે મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ ન પહેરવા માટે આદેશ આપ્યો પરંતુ બાદમાં તે આદેશ પાછો લઈ લેવામાં આવ્યો. ત્યાર બાદ વિદ્યાર્થીઓના એક જૂથે શાલ પહેરીને વિરોધ કરવાનું શરૃ કરી દીધું.
વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે, ૩ વર્ષ પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી. એ સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, કોઈ પણ હિજાબ પહેરીને કોલેજમાં ન આવે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કેટલીક યુવતીઓ હિજાબ પહેરીને કોલેજ આવી રહી હતી. જોકે નિયમ તોડવામાં આવ્યો એટલે કેટલાક વિદ્યાર્થીઓએ ભગવા શાલ પહેરવાનો નિર્ણય લીધો.  પ્રિન્સિપલ અનંત મૂર્તિએ જણાવ્યું કે, મુસ્લિમ વિદ્યાર્થીઓને ક્લાસમાં પડદો પહેરવાની મંજૂરી આપવામાં આવશે.

 

(8:02 pm IST)