Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મથુરાથી નહીં પણ રામની નગરી અયોધ્યાથી ચૂંટણી લડશે

મથુરા સીટ પરથી શ્રીકાંત શર્માને ટિકિટ અપાઈ તેવી શકયતા : કેટલાક મંત્રીઓની બેઠક બદલાઈ શકે

 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વખતે વિધાનસભા ચૂંટણી લડવાના છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે યોગી મથુરા વિધાનસભા સીટથી ચૂંટણી લડશે, પરંતુ હવે માહિતી મળી છે કે યોગી આદિત્યનાથ મથુરાથી નહીં પણ રામની નગરી અયોધ્યાથી ચૂંટણી લડવાના છે. ભાજપ સાથે જોડાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે.

 

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં મળેલી કોર કમિટીની બેઠક બાદ તમામ બેઠકોને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન યોગી આદિત્યનાથની બેઠકને લઈને પણ ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી યોગી આદિત્યનાથને અયોધ્યામાંથી ચૂંટણી લડાવવા માંગે છે, આ નિર્ણય હિન્દુત્વ ફેક્ટરને ધ્યાનમાં રાખીને લેવામાં આવી રહ્યો છે. સાથે જ પાર્ટી મથુરા સીટ પરથી શ્રીકાંત શર્માને ટિકિટ આપવા જઈ રહી છે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાક મંત્રીઓની બેઠક બદલાઈ શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે  કે યોગી આદિત્યનાથને માત્ર યુપીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપ માટે હિન્દુત્વનો મોટો ચહેરો માનવામાં આવે છે. એટલા માટે તે જે પણ સીટ પરથી ચૂંટણી લડશે તેના ઘણા અર્થ થશે. જો અયોધ્યા સીટ પર જ આખરી મહોર લાગી જાય તો આખી ચૂંટણીમાં બીજેપીને ક્યાંક ને ક્યાંક તેનો ફાયદો મળી શકે છે.

(9:37 pm IST)