Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સિદ્ધાર્થ પર હૈદરાબાદ પોલીસે સાઇના નેહવાલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યો

પ્રેરણા નામની એક મહિલાએ સાયબર ક્રાઈમ વિંગનો સંપર્ક કર્યો અને ટ્વિટર પર શટલર સાઈના નેહવાલ સામેની લૈંગિક ટિપ્પણી બદલ અભિનેતા સિદ્ધાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મુંબઈ :સિદ્ધાર્થ પર હૈદરાબાદ પોલીસે સાઈના નેહવાલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યો છે. આ ફરિયાદ એક વકીલ, ઝોનલ ઈન્ચાર્જ આઈટી અને ભાજપ તેલંગાણાના સોશિયલ મીડિયા મેનેજર નીલમ ભાર્ગવ રામ અને પ્રેરણા તિરુવાઈપતિ દ્વારા કરવામાં આવી જે બાદ બુધવારે અભિનેતા વિરુદ્ધ પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી.

ANI અનુસાર ટેલિફોનિક વાતચીતમાં KVM પ્રસાદ, એડિશનલ ડીસીપી, સાયબર ક્રાઈમ વિંગ, ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટ, હૈદરાબાદ જણાવ્યું હતું કે, “પ્રેરણા નામની એક મહિલાએ સાયબર ક્રાઈમ વિંગનો સંપર્ક કર્યો અને ટ્વિટર પર શટલર સાઈના નેહવાલ સામેની લૈંગિક ટિપ્પણી બદલ અભિનેતા સિદ્ધાર્થ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.”

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 509 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની 67 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વધારામાં ડીસીપીએ ઉમેર્યું હતું કે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને સિદ્ધાર્થને નોટિસ આપવામાં આવશે.

5 જાન્યુઆરીએ ફિરોઝપુર ખાતે પીએમ મોદીની સુરક્ષા નિષ્ફળતાની નિંદા કર્યા પછી સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ સામે અસંસ્કારી અને જાતીય અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ સિદ્ધાર્થે વિવાદ ઉભો કર્યો હતો. નેહવાલે ટ્વીટ કર્યું હતુ કે દેશના વડાપ્રધાનની સુરક્ષા જોખમમાં છે, કોઈ પણ દેશ સુરક્ષિત હોવાનો દાવો કરી શકે નહીં અને તે પીએમ મોદી પરના બર્બર હુમલાની તે નિંદા કરે છે.

આ ટ્વીટ બાદ સિદ્ધાર્થે તેના પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ટીપ્પણી કરી હતી જોકે ત્યાર બાદ તેને માફી પણ માંગવી પડી હતી.

(9:54 pm IST)