Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ચીન યુદ્ધ લાદવાની કોશિશ કરશે તો ભારતની જીત થશે : યુદ્ધ એ 'છેલ્લો ઉપાય':આર્મી ચીફ

આર્મી ચીફ જનરલ એમએમ નરવણે કહ્યું કે ચીન સાથે વાતચીત ચાલુ :ઘણી જગ્યાએ વિવાદ ખતમ થયો હોવા છતાં એલએસી પર ખતરો યથાવત

 

નવી દિલ્હી :પૂર્વી લદ્દાખને અડીને આવેલા LAC પર ચાલી રહેલા વિવાદની વચ્ચે આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ જણાવ્યુ છે કે જો ચીન યુદ્ધ લાદવાની કોશિશ કરશે તો ભારતની જીત થશે. આર્મી ચીફે કહ્યું છે કે ચીન સાથે વાતચીત ચાલી રહી છે અને ઘણી જગ્યાએ વિવાદ ખતમ થઈ ગયો હોવા છતાં એલએસી પર ખતરો હજુ પણ છે. આર્મી ડે (15 જાન્યુઆરી) પહેલા, આર્મી ચીફ જનરલ એમએમ નરવણે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેઓએ આ સ્પષ્ટતા કરી હતી.મહત્વનુ છે કે કોવિડ પ્રોટોકોલના કારણે જનરલ નરવણેએ આ મીડિયા કોન્ફરન્સ વર્ચ્યુઅલ માધ્યમથી કરી હતી.

મીડિયાને સંબોધતા આર્મી ચીફે કહ્યું કે પૂર્વી લદ્દાખને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરના વિવાદનું મૂળ ચીની સેનાનો મોટો મેળાવડો છે. જનરલ નરવણેના મતે, ભલે એલએસીના ઘણા વિવાદિત સ્થળોએ ડિસએન્ગેજમેન્ટ થઇ ગયુ હોય પરંતુ હજુ પણ ડી-એસ્કેલેશન (એટલે કે સૈનિકોની સંખ્યા ઘટાડવી) અને ડિન્ડક્શન એટલે કે ચીનના પીએલએ સૈનિકોની ગેરિસનમાં પરત જવાનું બાકી છે.  જ્યાં સુધી આ ડી-એસ્કેલેશન અને ડી-ઇન્ડક્શન નહીં થાય ત્યાં સુધી એલએસી પર શાંતિ રહેશે નહીં. જનરલ નરવણેએ કહ્યું કે ચીની સેના એકત્ર થયા બાદ ભારતે પણ પૂર્વી લદ્દાખમાં 25 હજાર વધારાના સૈનિકો તૈનાત કર્યા છે. આનું પરિણામ એ આવ્યું કે ભારત છેલ્લા દોઢ વર્ષની સરખામણીમાં આજે ચીની સેના સાથે કામ કરવા માટે સારી સ્થિતિમાં છે.

જનરલ એમએમ નરવણેએ કહ્યું કે ચીનના ખતરાનો સામનો કરવા માટે સેનાની તૈનાતીમાં પણ 'રિલાઈનમેન્ટ' કરવામાં આવી છે. એક પ્રશ્નના જવાબમાં આર્મી ચીફે કહ્યું કે એલએસી પર સ્થિતિ સ્થિર છે અને ભારતના નિયંત્રણમાં છે, પરંતુ જો પરિસ્થિતિ વધુ બગડે છે અને યુદ્ધ લાદવાનો પ્રયાસ કરવામાં આવશે તો ભારત જીતશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધ એ 'છેલ્લો ઉપાય' છે. જનરલ નરવણેએ કહ્યું કે ભારતીય સેના ચીનની પીએલએ સેના સાથે વ્યવહાર કરવામાં એકદમ 'મક્કમ અને મજબૂત' છે. જનરલ નરવણેના મતે, ઉત્તર (ચીન) સરહદ પર પણ કેટલાક અર્થપૂર્ણ ફેરફારો થયા છે. આમાં ઘણા વિવાદિત વિસ્તારોમાં ડિસએન્ગેજમેન્ટનો સમાવેશ થાય છે.

(10:14 pm IST)