Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

સારા સમાચાર : ઓકટોબર સુધીમાં દેશને મળશે વધુ પાંચ કોરોના વિરોધી રસી

રૂસી વેકસીન સ્પુટનિકને ૧૦ દિ'માં મળી શકે છે ઇમરજન્સી ઉપયોગની પરવાનગી

નવી દિલ્હી તા. ૧૨ : એક માહિતી પ્રમાણે દેશને જલ્દીથી ૫ નવી કોરોના રસીને મંજૂરી મળી શકે છે. કોરોના વાયરસની વધતી ચિંતાની વચ્ચે રસીનો અભાવ હોવાના સમાચારથી સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે. આવી સ્થિતિમાં, સરકાર હવે રસીના ઉત્પાદનમાં વધારો કરવા હેતુ પગલાં ભરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં, ભારત અન્ય પાંચ ઉત્પાદકો પાસેથી કોરોના રસી લેવાનું શરૂ કરશે. હાલમાં, કોવિશિલ્ડ અને કોવાકિસનનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવી રહ્યું છે.

ભારતમાં હવે અન્ય કોરોના રસીઓ માટેની તૈયારીઓનો ખુલાસો કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે 'હાલમાં ભારતમાં કોવિશિલ્ડ અને કોવાકિસનની સ્થાનિક સ્તરે બે કોવિડ -૧૯ રસી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. હવે અમે સપ્ટેમ્બર-ઓકટોબર ૨૦૨૧ સુધીમાં વધુ પાંચ રસીને મંજૂરી મળી શકે છે. આ રસીઓમાં રશિયાની સ્પુટનિક વી રસી છે (ડો. રેડ્ડીઝ લેબોરેટરીની સાથે કરાર છે), જહોનસન અને જહોનસન રસી (બાયોલોજિકલ ઇ સાથે), નોવાવેકસ રસી (સીરમ ઇન્ડિયાના સહયોગથી), ઝાયડસ કેડિલા રસી અને ભારત બાયોટેકની ઇન્ટ્રાનેસલ રસીને મંજૂરી મળી શકે છે.'

આ રસી લોકોને ઉપલબ્ધ કરાવતા પહેલા સલામતી અને અસરકારકતાની ચકાસણી કરવામાં આવશે. તે પછી જ કોઈ પણ કોવિડ -૧૯ રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે. આ બધી કોરોના રસીઓમાંથી, સ્પુટનિક વીને પહેલા મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આગામી ૧૦ દિવસોમાં  સ્પુટનિકને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડએ રસીના ઉત્પાદન માટે હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડીઝ, હેટરો બાયોફર્મા, ગ્લેંડ ફાર્મા, સ્ટેલીસ બાયોફર્મા અને વિક્રો બાયોટેક જેવી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે કરાર કર્યો છે.

દેશમાં ૮૫૦ મિલિયન ડોઝની ઉત્પાદન ક્ષમતા સાથે, સ્પુટનિક વી, COVID-19 સામેની લડતમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્પુટનિક વી જૂનમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. જો બધું બરાબર થઈ જાય, તો જોહનસન અને જોહનસનની રસી બાયોલોજીકલ ઇની દ્વારા ઓગસ્ટ સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે, કેડિલા ઝાયડસની સ્વદેશી રસી ઓગસ્ટમાં, નોવાવેકસની રસી (સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા) સપ્ટેમ્બર સુધી અને ઓકટોબર સુધીમાં ભારત બાયોટેકની ઇન્ટ્રાનેસલ વેકિસન પણ તૈયાર થઈ શકે છે.

(10:26 am IST)