Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

૨ દિ'માં એકટીવ કેસ ૧૦ લાખથી વધીને ૧૨ લાખ ઉપર

મહારાષ્ટ્ર - દિલ્હીમાં કોરોનાએ તોડયા બધા રેકોર્ડ : કોરોનાના ૭૦ ટકાથી વધુ કેસ પાંચ રાજ્યોમાંથી

નવી દિલ્હી તા. ૧૨ : કોરોના વાયરસની બીજી લહેર દેશમાં કહેર બનીને પોતાનો આતંક વરસાવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં જયાં દેશમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. કોરોનાના ૭૦ ટકા કરતા વધુ કેસ તો ફકત પાંચ જ રાજયોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ સામેલ છે. આ ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ કોરોના તીવ્ર ઝડપ પકડી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પ. બંગાળમાં પણ કોરોના વધવાનો શરૂ થઈ ગયો છે.

વર્લ્ડોમીટર અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૭૦ લાખ જેટલા નવા કેસ આવ્યા છે. જે અત્યાર સુધી એક દિવસમાં કોરોના કેસના સૌથી વધુ છે. તો આ દરમિયાન લગભગ ૯૦૦ લોકોના મોત પણ થાય છે. સતત દિવસે દિવસે વધી રહેલા કોરોના કેસના કારણે એકિટવ કેસની સંખ્યા પણ વધી ગઈ છે. દેશમાં શનિવારે ૧૦ લાખને પાર પહોંચેલા એકિટવ કેસ બે જ દિવસમાં વધીને સોમવાર સુધીમાં ૧૨ લાખને પાર થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧ લાખ ૭૦ હજાર લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂકયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તે દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૬૩૨૯૪ નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં આવેલા નવા કેસના આંકડામાં સૌથી વધુ છે. રાજયમાં મુંબઈ પછી પુણેમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પુણે જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૩૭૭ નવા કોરોના કેસ આવ્યા છે તો ૮૭ લોકોના મોત થયા છે. રાજધાની મુંબઈમાં પણ ૨૪ લાકમાં ૯૯૮૯ કેસ આવ્યા છે. જયારે ૫૮ લોકોના મોત થયા છે. જોકે મહારાષ્ટ્ર માટે એક સારો સંકેત એ પણ છે કે ૩૪ હજારથી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રમાં કોરોના રિકવરી રેટ વધીને ૮૧.૬૫ ટકા થઈ ગયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. દિલ્હીમાં શનિવારે એક દિવસમાં ૧૦૭૭૪ નવા કેસ સામે આવ્યા છે. તો ૪૮ કોરોના દર્દીઓના મોત થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું કહેવું છે કે ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૧૦ હજાર કરતા વધુ કેસ આવવા સાથે શહેરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમણે લોકોને ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવા માટે સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની ચોથી લહેર પાછલી લહેર કરતા વધુ ખતરનાક છે. સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કેરળ, તામિલનાડુ, બિહાર, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિતના રાજયોમાં કોરોના કહેર વધી રહ્યો છે. આ રાજયોમાં દરરોજ વધુને વધુ કોરોના નવા કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે તેવા પ.બંગાળમાં પણ કોરોના કહેર વધી રહ્યો છે. તેમ છતા ત્યાં મોટી સંખ્યામાં રોડ શો અને રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કોરોના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ તૈયારી કરી રહ્યું છે.

(10:27 am IST)