Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મહારાષ્‍ટ્રમાં સ્‍થિતિ બેકાબુઃ ૭૫ ટકા આઈસીયુ બેડ ફુલઃ ૧૨ જિલ્લાઓમાં કોઈ બેડ ખાલી નથી

રોજેરોજ કેસ અને મૃત્‍યુઆંક વધી રહ્યા છેઃ એક જ દિવસમાં ૬૩૦૦૦થી વધુ નવા કેસ

મુંબઈ, તા. ૧૨ :. મહારાષ્‍ટ્રમાં કોરોના વાયરસના કારણે સ્‍થિતિ બેકાબુ બની ગઈ છે અને રાજ્‍યો પર લોકડાઉનની તલવાર લટકી છે. રાજ્‍યમાં ૭૫ ટકા આઈસીયુ બેડ ફુલ થઈ ગયા છે અને ૧૨ જિલ્લામાં કોઈ બેડ ખાલી નથી. મુંબઈમાં જ ૬ લાખ લોકો હોમકોરન્‍ટાઈન થઈ ગયા છે.

રાજ્‍યના સ્‍વાસ્‍થ્‍ય સચિવ માહિતી આપી છે કે ૨૦૨૫૦ આઈસીયુ બેડમાંથી લગભગ ૭૫ ટકા બેડ ભરાઈ ગઈ છે જ્‍યારે ૬૭૦૦૦ ઓકિસજન બેડમાંથી ૪૦ ટકા બેડ ભરાઈ ગઈ છે. લગભગ ૧૧થી ૧૨ જિલ્લા એવા છે જ્‍યાં એક પણ બેડ બાકી નથી.

રાજ્‍યમાં લગભગ ૯૫ ટકા દર્દીઓ એવા છે જેમનો તેમના ઘરે જ ઈલાજ થઈ શકે તેમ છે. એવામાં દર્દી વધુ ગંભીર હોય તો જ હોસ્‍પીટલ લઈ જવા જોઈએ તેવુ તેમનુ કહેવુ છે. મહારાષ્‍ટ્રમાં હાલ ૫.૬૫ લાખ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્‍ટ્રમાં ૬૩૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. જ્‍યારે મુંબઈમાં જ ૧૦૦૦૦ જેટલા નવા કેસ સામે આવ્‍યા છે. સરેરાશ ૭૭૦૦ લોકો કોરોના પોઝીટીવ થઈ રહ્યા છે. મુંબઈમાં જ ૨૦ દિવસમાં ૪૨૫ લોકોના મોત થયા છે.

પૂણેમાં પણ સ્‍થિતિ ગંભીર છે. ૨૪ કલાકમાં ૧૨૩૭૭ નવા કેસ સામે આવ્‍યા છે.

(11:12 am IST)