Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

બેડ-ઓકિસજન-ઈન્‍જેકશન પુરતા છે તો ૪૦ એમ્‍બ્‍યુલન્‍સની લાઈનો કેમ થાય છે ? અત્‍યારે લોકો ભગવાન ભરોસેઃ સામાન્‍ય માણસોની પીડા સમજો

કોરોના મામલે સરકારની અમુક નીતિઓથી અમે નારાજ છીએઃ રૂપાણી સરકારની ઝાટકણી કાઢતી ગુજરાત હાઈકોર્ટ : સામાન્‍ય માણસને આરટીપીસીઆર ટેસ્‍ટના રીઝલ્‍ટ માટે ચારથી પાંચ દિવસ લાગે છે જ્‍યારે વીઆઈપી હોય તો સાંજ સુધીમાં રીપોર્ટ મળી જાય છેઃ લગ્નોમાં ૧૦૦ લોકો ભેગા કરવા વધારે છે ફકત ૫૦ને મંજુરી આપોઃ રાત્રી કર્ફયુનો પુરતો અમલ થતો નથીઃ લોકોમાં વિશ્વાસ જગાડો કે સરકાર અમારે માટે કામ કરી રહી છે

અમદાવાદ, તા. ૧૨ :. ગુજરાતમાં દિવસેને દિવસે વણસી રહેલી કોરોનાની સ્‍થિતિની ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ આજે ગુજરાત સરકારને આડેહાથ લીધી હતી અને રાજ્‍ય સરકારને કેટલાક સૂચનો કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્‍ટીશ વિક્રમનાથ અને જસ્‍ટીશ ભાર્ગવ કારીયાની બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્‍ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆતો કરી હતી. આ દરમિયાન હાઈકોર્ટે જણાવ્‍યુ હતુ કે અત્‍યારે લોકો ભગવાન ભરોસે છે. લોકોને સરકાર ઉપર વિશ્વાસ નથી તેથી લોકોમાં વિશ્વાસ જગાડો. સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ છીએ એવુ કહેતા હાઈકોર્ટે ઉમેર્યુ હતુ રાજ્‍યમાં બેડ છે, ઈન્‍જેકશન છે, ઓકિસજન છે છતા ૪૦ - ૪૦ એમ્‍બ્‍યુલન્‍સની લાઈનો કેમ લાગે છે ? સરકારે પ્રજાની પીડા સમજવી જોઈએ અને નક્કર પગલા લેવા જોઈએ. હાઈકોર્ટે એવુ પણ કહ્યુ હતુ કે સામાન્‍ય માણસને ટેસ્‍ટનો રીપોર્ટ મેળવવામાં ચારથી પાંચ દિવસ લાગી જાય છે જ્‍યારે વીઆઈપીઓને તેનો રીપોર્ટ કલાકોમાં મળી જાય છે. સરકારે ટેસ્‍ટીંગ અને સેમ્‍પલ કલેકશનમાં ઝડપ લાવવાની જરૂર છે. તાલુકા અને ગ્રામ્‍ય લેવલે તો આરટીપીસીઆર ટેસ્‍ટની કોઈ સુવિધા નથી તે ચિંતાની બાબત છે.

ગુજરાતમાં સુઓમોટો જાહેરહીતની અરજી મામલે સુનાવણી હાથ ધરાઈ હતી જેમા હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યુ હતુ કે જાહેર કાર્યક્રમો બંધ કરાવવા જોઈએ. લગ્ન અને મરણ પ્રસંગમાં માત્ર ૫૦ લોકોને જ પરવાનગી આપવી જોઈએ.

ગુજરાત હાઈકોર્ટે જણાવ્‍યુ હતુ કે રેમડેસિવિર ઈન્‍જેકશન એક જ જગ્‍યાએ કેમ મળે છે ? લોકોને ઘેર બેઠા ઈન્‍જેકશન કેમ નથી મળતા ? હોસ્‍પીટલમાં બેડ અને ઓકિસજન પુરતા પ્રમાણમાં હોય છતા હોસ્‍પીટલ બહાર ૪૦ એમ્‍બ્‍યુલન્‍સની લાઈન કેમ લાગે છે ? સરકારે એવા પગલા લેવા જોઈએ કે લોકોનો વિશ્વાસ સરકાર તરફ જાગે.

હાઈકોર્ટે સુઓમોટો અંગે વધુ સુનાવણી ૧૫ એપ્રિલના રોજ રાખી છે. સુનાવણીમાં આજે હાઈકોર્ટે કહ્યુ હતુ કે ઓફિસમાં ૫૦ના સ્‍ટાફને બોલાવવામાં આવવા જોઈએ. કર્ફયુના સમયમાં રીલેકશેસન આપવામાં આવી રહ્યુ છે. નાઈટ કર્ફયુની અમલવારી થતી નથી. હાઈકોર્ટે કહ્યુ હતુ કે સરકાર સારૂ કામ કરે છે પરંતુ સાચી દિશામાં કામ કરે તે જરૂરી છે. લોકોને વિશ્વાસ અપાવો અને અમને સારૂ ન લગાડો પરંતુ જનતાને સારૂ લાગવુ જોઈએ.

રાત્રી કર્ફયુ સવારે ૬ સુધી હોય છે, પરંતુ દુકાનો ૫ વાગ્‍યે ખુલી જાય છે. સવારે પાંચ વાગ્‍યામાં લોકો રસ્‍તા પર જોવા મળે છે.

રાજ્‍યમાં કોરોનાની સ્‍થિતિ મામલે હાઈકોર્ટ દ્વારા ટીપ્‍પણી કરવામાં આવી હતી કે અમારે બીજા રાજ્‍યોમાં શું થાય છે ? તે નથી જાણવુ અમારે ગુજરાતની ચિંતા છે.

હાઈકોર્ટે કહ્યુ હતુ કે ઓકટોબર સુધી સ્‍થિતિ નિયંત્રણમાં હતી દિવાળી પછી કેસ વધ્‍યા છે. આપણે કેમ અજાણ રહ્યા કે રાજ્‍યમાં બીજી લહેર આવી ગઈ છે. સરકારે શા માટે માની લીધુ કે કોરોના ચાલ્‍યો ગયો હતો. શા માટે ખાનગી હોસ્‍પીટલના બેડ સુપ્રત કરી દેવાયા ?

હાઈકોર્ટે કહ્યુ હતુ કે તાલુકા અને ગામડાઓમાં ટેસ્‍ટીંગ વધારવુ જોઈએ. શહેરોની સાથે ગામડાઓની હાલત પણ બગડી રહી છે. સાથે જ મોરબી અને મહેસાણાનો કોર્ટે ઉલ્લેખ કર્યો હતો.

 

રેમડેસિવિર ઈન્‍જેકશન કેમ એક જ જગ્‍યાએ મળે છે ? અછત કેમ થઈ ગઈ ? રોજના ૨૭૦૦૦ ઈન્‍જેકશન જાય છે ક્‍યાં ?

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી દરમિયાન રેમડેસિવિર ઈન્‍જેકશનનો મામલો પણ ઉઠાવ્‍યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે આ ઈન્‍જેકશન શા માટે હોસ્‍પીટલના દર્દીને જ અપાય છે અને હોમ કોરન્‍ટાઈન રહેલા દર્દીને કેમ આ ઈન્‍જેકશનની મંજુરી અપાતી નથી ? હાઈકોર્ટે એમ પણ પૂછયુ હતુ કે શા માટે માત્ર એક જ સ્‍થળે રેમડેસિવિર મળે છે અને શા માટે નર્સિંગ હોમ, હોસ્‍પીટલો અને મેડીકલ સ્‍ટોરમાં નથી મળતા ? સરકાર કહે છે કે ઈન્‍જેકશન છે તો લાઈનો શા માટે જોવા મળે છે ? એક જ જગ્‍યાએ ઈન્‍જેકશન મળે તે હિતાવહ નથી. પુરતો જથ્‍થો છે તે લોકો સુધી કેમ નથી પહોંચતો ?

ચૂંટણીની જેમ બુથવાઈઝ મેનેજમેન્‍ટ કોરોનામા કેમ થતુ નથી ? હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે પોતાના અવલોકનોમાં કહ્યુ હતુ કે ચૂંટણી સમયે બુથ પ્રમાણે મેનેજમેન્‍ટ કરો છો તો કોરોનામાં બુથવાઈઝ મેનેજમેન્‍ટ કેમ નથી થઈ શકતુ ? કોઈપણ કોવિડ-૧૯ની એસઓપીનુ પાલન ન કરે તો તેમને કોવિડ સેન્‍ટરમાં મોકલી દો. બુથ મેનેજમેન્‍ટની જેમ કોરોના મેનેજમેન્‍ટ કરો. વોર્ડવાઈઝ-સોસાયટીવાઈઝ એક જવાબદાર વ્‍યકિત નીમો જે લોકોની તકલીફો વિશે તંત્રને વિગતો પહોંચાડે.

 

આ લડાઈ સરકાર અને કોરોના વચ્‍ચેની નથી પણ લોકો અને કોરોના વચ્‍ચેની બની ગઈ છેઃ કમલ ત્રિવેદી

અમદાવાદઃ આજે હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે આ લડાઈ કોરોના અને સરકાર વચ્‍ચેની નથી પણ લોકો અને કોરોના વચ્‍ચેની બની ગઈ છે. રેમડેસિવિરની જરૂર સામાન્‍ય સંજોગોમાં હોતી નથી પરંતુ હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ પણ આનો આગ્રહ રાખે છે. તેમણે કહ્યુ હતુ કે સરકાર લોકડાઉનના પક્ષમાં નથી હાલ ગુજરાતમાં ૧૭૦૦૦થી વધુ બેડ ખાલી છે. રાજ્‍ય સરકારે હાલ ટેસ્‍ટ, ટ્રેકીંગ અને ટ્રીટમેન્‍ટ પર ભાર મુકયો છે. સરકારના ધન્‍વંતરી અને સંજીવની રથ ઘેર ઘેર ફરે છે. ૧૪૧ ખાનગી હોસ્‍પીટલોને કોવિડમાં ફેરવવામાં આવી છે. રોજ ૧.૨૫ લાખ ટેસ્‍ટ કરવામાં આવી રહ્યા છે અને ખાનગી હોસ્‍પીટલમાં ૭૦,૦૦૦થી વધુ ટેસ્‍ટ કરવામાં આવે છે.

(3:33 pm IST)