Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ભારત પર કહેર બનીને તૂટી બીજી લહેર

દર મિનિટે ૧૧૭ નવા કેસ, દર કલાકે ૩૮ના મોત

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે કોરોનાના નવા આંકડા ડરાવી રહ્યા છે

નવી દિલ્હી, તા.૧૨: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પહેલી લહેરમાં પણ આટલી ઝડપે કેસ નહોતા વધી રહ્યા છે. કોરોનાના કહેરના મામલે ભારત આજે વિશ્વમાં બીજા નંબર પર પહોંચી ગયો છે ત્યારે ભારતમાં દરરોજ કોરોના વાયરસના દૈનિક કેસના આંકડામાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, પહેલા કરતાં વધારે મોત કોરોના વાયરસની આ બીજી લહેરમાં થઈ રહ્યા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડબ્રેક ૯૦૪ લોકોના મોત થઈ ગયા છે જેના કારણે ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

ભારતમાં દર કલાકે ૭૦૩૮ નવા કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે અને દર એક મિનિટે ૧૧૭. જયારે દર કલાકે ૩૮ લોકો પોતાના શ્વાસ કોરોના વાયરસના કારણે છોડી રહ્યા છે.

ભારતમાં કોરોના વાયરસની પહેલી લહેરમાં જયારે પિક આવી હતી ત્યારે પણ એક દિવસમાં ૯૭,૮૯૪ કેસ સામે આવ્યા હતા જયારે આજની તારીખમાં તેના કરતાં પણ ખૂબ વધારે કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે.

પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે સરખામણી કરીએ તો આ વખતે કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે કોરોના વાયરસનો કોઈ નવો સ્ટ્રેન છે જે ખૂબ જ સંક્રામક છે. 

ભારત પાસે અત્યારે કોરોના વાયરસની વેકિસન પણ છે અને દરરોજ લાખો લોકોને કોરોના વાયરસની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે તેમ છતાં આ મહામારી રોકાવાનું નામ નથી લઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજયોમાં કોરોનાનો સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આ માહમરી કયાં રોકાશે તેને લઈને જનતા પણ ડરી ગઈ છે.

ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૧,૬૮,૯૧૨ નવા કેસ સામે આવ્યા છે જયારે ૭૫,૦૮૬ લોકો સાજા થયા છે અને ૯૦૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડા સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

(4:12 pm IST)