Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

હરિયાણાની યુવતિએ ગુજરાતી ભાષા શીખીને જજની પરિક્ષા પાસ કરીઃ સિલેકશન કમિટીને આપેલા જવાબથી સૌ જોતા રહી ગયા

અમદાવાદ: કહેવાય છે કે, જ્યારે કોઈ લક્ષ્યને પામવા માટે દ્રઢ નિશ્ચય બનાવી લેવામાં આવે તો ભલે કોઈ પણ સમસ્યાઓ આડે આવે પગ સતત આગળ વધતા જાય છે. લોકો માટે ભાષા એક મોટી ચેલેન્જ બની જતી હોય છે. તે જ ભાષાને હથિયાર બનાવીને હરિયાણાની દીકરી ગુજરાતમાં સિવિલ જજ બનીને ન્યાયની રાહ પર નીકળી પડી છે. ચૌધરી ચરણસિંહ હરિયાણા કૃષિ વિશ્વવિદ્યાલયની પારુલ ધનખડેની ગુજરાતમાં સિવિલ જજ તરીકેની પસંદગી થઈ છે. તે નિવૃત્ત સીનિયર સ્કેલ સ્ટેનોગ્રાફર રાજપાલ ધનખડેના દીકરી છે. પરંતુ આ ટાર્ગેટ મેળવવું તેના માટે સરળ ન હતું. તેમણે દિલ્હીમાં રહીને તૈયારીઓ કરી, પછી રાજસ્થાનમાં ન્યાયિક સેવાની પરીક્ષાઓ આપી, પરંતુ તેમ છતાં સિલેક્ટ ન થયા. ઝારખંડમાં ગયા તો ત્યાં પણ નિરાશા મળી હતી. તેના બાદ ગુજરાતમાં ન્યાયિક સેવાની પરીક્ષાનો ત્રીજો પ્રયાસ હતો, જેમાં આખરે તેમણે સફળતા મળી.

તે કહે છે કે, જ્યારે તેમનો ઈન્ટરવ્યૂ થયો ત્યારે સિલેક્શન કમિટીની ટીમે તેમને કહ્યું કે, ગુજરાતમાં ગુજરાતી ભાષા આવવી બહુ જ જરૂરી છે. આવામાં પારુલે તમામ જવાબ ગુજરાતી ભાષામાં આપ્યા હતા. જ્યારે સિલેક્શન કમિટીની ટીમે ગુજરાત ભાષા પર પકડ વિશે પૂછ્યુ તો પારુલે જણાવ્યું કે, તેમણે પરીક્ષા આપતા પહેલા વર્ષ 2018 માં ત્રણ મહિના અમદાવાદમાં વિતાવ્યા હતા, જ્યાં તેઓ ગુજરાતી ભાષા શીખ્યા હતા. તેમણે કહ્યું કે, તમે જે વિસ્તારોમાં જાઓ છો, ત્યાંની નાની નાની બાબતો શીખવી બહુ જ જરૂરી છે. 

જજ બન્યા બાદનું લક્ષ્યાંક

પારુલ જણાવે છે કે, જજ બનયા બાદ સૌથી પહેલા તેઓ અટવાયેલા કેસોનો ઝડપથી નિકાલ કરવા માંગે છે. આ સાથે જ આર્થિક રીતે નબળા વર્ગન આગળ વધવા માટે સામાજિક કાર્ય પણ કરશે.

નિવૃત્ત પિતાને આપી ભેટ

પારુલના પિતા રાજપાલ ધનખડે હાલમાં જ એચયુથી નિવૃત્ત થયા છે. પારુલ કહે છે કે, મારા પિતાની સેવાનિવૃત્તિ પર આનાથી મોટી ભેટ કોઈ હોઈ ન શકે. પિતા અને તેમની બહેન મીનાક્ષીએ તેમને ઉચ્ચ શિક્ષા આપવામાં કોઈ કસર નથી છોડી. તે પોતાના ગામની પહેલી દીકરી છે, જે સિવિલ જજ બની છે. તેમના પરિવારમાં બે કાકા વકીલાત કરે છે. જેમની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમણે આ દિશામાં ભવિષ્ય બનાવવાનું નક્કી કર્યું હતું.

(5:28 pm IST)