Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તારમાં રાહત : 24 કલાકમાં નવા 51,751 કેસ નોંધાયા: વધુ 258 દર્દીઓના મોત

રવિવારે રેકોર્ડબ્રેક 63,294 નવા કેસ અને 349 લોકોના મોત થયા હતા

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઇ રહ્યો છે. દેશમાં સૌથી વધારે કોરોનાથી મહારાષ્ટ્ર પ્રભાવિત છે. ત્યારે આજે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 51,751 કેસ સામે આવ્યા છે. અને 258 લોકોના કોરોનાના કારણે મોત થયા છે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આ પહેલા રવિવારે રેકોર્ડબ્રેક 63,294 કેસ સામે આવ્યા હતા, તો 349 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 34,58,996 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 58,254 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઇને 10મા અને 12ના બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. મે મહિનાના અંત સુધીમાં પરીક્ષા આયોજિત કરવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ઉપર અત્યારે લોકડાઉનનું જોખમ તોળાઇ રહ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકડાઉન સિવાય કોઇ વિકલ્પ નથી. તો આજે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થશે, અત્યારે તેની તૈયારી ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સમીક્ષા કરવા માટે ગયેલી કેન્દ્રની ટીમ કહ્યું કે સાતરા, સાંગલી અને ઔરંગાબાદ જિલ્લામાં કોરોના રોકવાના ઉપાય અને નિયમોમાં કડકાઇ ઓછી છે.

(12:19 am IST)